મુંબઈમાં જોખમી અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસને વેગ અપાશે: એકનાથ શિંદે
ઇમારતોના ઝડપી પુનર્વિકાસ માટે જનપ્રતિનિધિઓ સાથે બેઠક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભામાં એવી ખાતરી આપી હતી કે, મુંબઈ શહેરમાં જોખમી, જૂની અને જર્જરિત સેસ્ડ ઇમારતોના ઝડપી પુનર્વિકાસ માટે જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવશે અને ઇમારતોના પુનર્વિકાસમાં રહેલા અવરોધો દૂર કરવામાં આવશે અને આ પુનર્વિકાસને વેગ આપવામાં આવશે.
વિધાન સભ્ય અમીન પટેલે આ સંદર્ભમાં એક રસપ્રદ સૂચન કર્યું હતું. તેમને જવાબ આપતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બોલી રહ્યા હતા.
આ પણ વાંચો: સંભાળજો! મુંબઈમાં ૧૮૮ અતિજોખમી અને જર્જરિત ઈમારતો
નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું કે, જો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સક્ષમ અધિકારી કોઈ ઇમારતને જોખમી જાહેર કરે છે, તો પહેલા ઇમારત માલિકને પુન:વિકાસ કરવાની તક આપવામાં આવે છે. જો માલિક છ મહિનાની અંદર દરખાસ્ત રજૂ ન કરે, તો આ તક રહેવાસીઓ અથવા ભાડૂઆતોની સહકારી હાઉસિંગ સોસાયટીને આપવામાં આવે છે. જો તેઓ પણ છ મહિનાની અંદર દરખાસ્ત રજૂ ન કરે, તો મુંબઈ મકાન સમારકામ અને પુનર્નિર્માણ બોર્ડ દ્વારા જમીન સંપાદન અને પુનર્વિકાસની જોગવાઈ છે.
આ પ્રક્રિયા મુજબ, મુંબઈ મકાન સમારકામ અને પુનર્નિર્માણ બોર્ડે 854 મકાન માલિકોને નોટિસ ફટકારી છે. આમાંથી 67 માલિકોએ પુનર્વિકાસ દરખાસ્તો રજૂ કરી હતી, જેમાંથી 30 માલિકોને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મીરા-ભાઈંદરમાં જર્જરિત મકાનોની સંખ્યા વધવાથી રહેવાસીઓનું જીવન જોખમમાં મુકાયું
રાજ્ય સરકાર એક નવી હાઉસિંગ પોલિસી લાવી રહી છે, જે સામાન્ય માણસને પોસાય તેવા આવાસ ઉપલબ્ધ કરાવવાની ખાતરી કરશે. નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ એમ પણ કહ્યું હતું કે, સરકાર અટકેલા પુનર્વિકાસને કારણે મુંબઈની બહાર ગયેલા મુંબઈગરાને પાછા લાવવા, મુંબઈમાં અટકેલા આવાસ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા અને સામાન્ય નાગરિકોને આવાસ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે.