મેટ્રો કોચમાં કાટ લાગ્યો: મુંબઈની ‘મેટ્રોના કરોડોના કોચ સાડા ત્રણ વર્ષમાં જ બગડ્યા!

યોગ્ય જાળવણીના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલા મેટ્રો કોચ ખરાબ થવાની શંકા
મુંબઈઃ મુંબઈ – ડી. એન. નગરથી દહિસર પૂર્વ ‘મેટ્રો ટૂએ’ અને અંધેરી પૂર્વથી દહિસર પૂર્વ ‘મેટ્રો ૭’ લાઇન પર કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા મેટ્રોના કોચમાં ઉદ્ઘાટનના સાડા ત્રણ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં કાટ લાગી ગયા હોવાનું બહાર આવ્યું છે.
કોચના ઉપરના ભાગમાં કાટ લાગવા લાગ્યો છે, તેથી આ કોચની જાળવણી કરવામાં આવી રહી છે કે નહીં એ અંગે પ્રશ્ન ઊભા થયા છે. જો આ પરિસ્થિતિ રહેશે તો ભવિષ્યમાં મેટ્રો કોચ ઝડપથી બગડશે અને તેના પર ખર્ચવામાં આવેલા પૈસા વેડફાય તેવી ભીતિ છે.
મેટ્રો ટૂએ અને મેટ્રો ૭ લાઇનનો પ્રથમ તબક્કો એપ્રિલ ૨૦૨૨માં શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં, આ મેટ્રો લાઇન પર ૨૪ ટ્રેનો કાર્યરત છે. પર્યાવરણ કાર્યકર્તા ઝોરુ બાથેનાએ સોશિયલ મીડિયા પર કાટ લાગેલા કોચના ફોટા શેર કર્યા હતા. તેણે માંગ કરી કે આ કોચને વધુ નુકસાન થતું અટકાવવા માટે તાત્કાલિક કાર્ય કરવામાં આવે.
મેટ્રો ટ્રેનોના જાળવણી અને સમારકામ માટે જવાબદાર ટીમને કોચનું નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું છે અને બુધવારે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) તરફથી રિપોર્ટ લેવામાં આવશે અને પછી આગળના નિર્ણયો લેવામાં આવશે, એમ મહામુંબઈ મેટ્રો ઓપરેશન્સ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર રૂબલ અગ્રવાલે માહિતી આપી હતી.
હાલમાં છ કોચવાળી મેટ્રો ટ્રેન ખરીદવાનો ખર્ચ, તેના સાધનો સહિત, રૂ. ૧૦૦ કરોડથી વધુ છે. જો આ ટ્રેનોની યોગ્ય જાળવણી કરવામાં ન આવે તો, ચોમાસા દરમિયાન કોચની છત નબળી પડી શકે છે અને તેમાંથી પાણી લીક થઈ શકે છે.



