નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈની લોકલ ટ્રેનમાં બોમ્બની અફવાથી ગભરાટ, આખી ટ્રેન ખાલી કરાવવામાં આવી…
મુંબઇઃ નવા વર્ષની ઉજવણીના માહોલમાં રંગમાં ભંગ પડ્યો હોય એમ મુંબઈના વસઈ સ્ટેશન પર હંગામો થયો હતો. વિરારથી ચર્ચગેટ જતી લોકલ ટ્રેનમાં બોમ્બ હોવાની અફવાને પગલે સમગ્ર ટ્રેનને વસઈ સ્ટેશને ખાલી કરાવવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને દાવા વગરની બેગની તપાસ કરી હતી.
વિરારથી ચર્ચગેટ જતી લોકલ ટ્રેનમાં ત્યજી દેવાયેલા બેગ બોમ્બની અફવા બાદ મુંબઈમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રેનના લેડીઝ કોચમાં એક લાવારસ બેગ જોવા મળી હતી, જેના પછી લોકોએ જીઆરપીને જાણ કરી કે તેમાં બોમ્બ છે. ત્યાર બાદ આ ટ્રેનને વસઈ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. જીઆરપી અને આરપીએફએ આખી ટ્રેનને ખાલી કરાવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી હતી. તેમણે ઘટનાસ્થળે પહોંચી ત્યજી દેવાયેલી બેગની તપાસ કરી હતી. જોકે, બેગમાં કંઇ વાંધાજનક સામગ્રી નહીં મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લગભગ 45 મિનિટ સુધી સ્ટેશન પર અરાજકતાનો માહોલ રહ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેગ એક મુસાફરની હતી જે તેને ભૂલીને નીકળી ગયો હતો.
ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે બેગની તપાસ કરતાં તેમાં કશું જ ન હોવાનું જણાયું હતું. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં બીજી પણ બેગ મળી આવી હતી જે સફેદ રંગની હતી અને રેક પર પડી હતી. જ્યારે તેની પણ તપાસ કરવામાં આવી તો કંઈ મળ્યું ન હતું.
આ પહેલા ટ્રેનની લગેજ બોગીમાં બોમ્બ હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ જ્યારે બોગીની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં કશું જ મળ્યું ન હતું. આ પછી લેડીઝ બોગીની તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ગેટ પાસે એક બેગ મળી આવી હતી જે રેક પર રાખવામાં આવી હતી. આ પછી સુરક્ષા અધિકારીઓએ આખી ટ્રેનને ખાલી કરાવી હતી.