મુંબઈના પ્રતિષ્ઠિત તારાપોરવાલા માછલીઘરનું નવીનીકરણ કરવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પ્રતિષ્ઠિત તારાપોરવાલા માછલીઘર, જે કોવિડ-19 રોગચાળા પછી બંધ હતું, તેનું નવીનીકરણ કરવામાં આવશે અને મહારાષ્ટ્ર સરકાર તેને વિશ્ર્વ કક્ષાના પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવાની યોજના ધરાવે છે, એમ એક પ્રધાને જણાવ્યું હતું.
દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઇવ પર સ્થિત, દેશનું સૌથી જૂનું સાર્વજનિક માછલીઘર છે અને મુંબઈના લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. આ સંકુલ 4,369 ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને ત્રણ ઇમારતો છે જેમાં માછલીઘર, મત્સ્યઉદ્યોગ કમિશનરનું કાર્યાલય, પાણી શુદ્ધિકરણની પ્રણાલી અને કેન્ટીન સંકુલનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સરકારે 296 કરોડ રૂપિયાના પુનર્વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપી છે જે જૂના થઈ રહેલા દરિયાઈ સંગ્રહાલયને વિશ્વ કક્ષાની સુવિધામાં પરિવર્તિત કરશે, જેમાં અત્યાધુનિક માછલીઘર પ્રદર્શનો, આધુનિક ઓફિસની જગ્યાઓ અને શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થશે, એમ સૂત્રોએ માહિતી આપી હતી.
આપણ વાંચો: ભાયખલા પ્રાણીબાગમાં માછલીઘર બનાવવાની યોજના પર પાણી ફરી વળ્યું…
‘તારાપોરવાલા માછલીઘર મુંબઈના ઇતિહાસ અને વારસાનો એક ભાગ છે. અમે તેને પુનજીર્વિત કરીશું. આ પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે,’ એમ રાજ્યના મત્સ્યઉદ્યોગ અને બંદર ખાતાના પ્રધાન નિતેશ રાણેએ જણાવ્યું હતું.
‘તે જ જગ્યાએ એક નવું માછલીઘર બનાવવામાં આવશે અને તે આંતરરાષ્ટ્રીય ધોરણોનું હશે, આ માટે થાઈલેન્ડ, સિંગાપોર, દુબઈ અને યુકે પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી રહી છે,’ એમ તેમણે કહ્યું હતું.
નવું માળખું મૂળ 72 વર્ષ જૂની ઇમારતનું સ્થાન લેશે, જેને કોસ્ટલ રોડના નિર્માણ પછી 2022માં જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) દ્વારા માળખાકીય ઓડિટ પછી અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. તેથી, એક નવી અત્યાધુનિક રચનાનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષોના કાટ લાગતી દરિયાઈ હવાના સંપર્કમાં રહેવાથી, તે સમયના ચાલી રહેલા કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કંપનો સાથે, માછલીઘરનું લોડ-બેરિંગ માળખું નબળું પડી ગયું હતું.
આપણ વાંચો: BMC નું જમ્બો બજેટઃ જાણો શહેર માટે શું શું સપના દેખાડ્યા છે બજેટમાં…
કોવિડ-19 રોગચાળા પછી બંધ કરાયેલા આ માછલીઘરને વધતા જતા સંચાલન પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે 2023 માં મત્સ્યઉદ્યોગ વિભાગે આ જગ્યા ખાલી કરાવી હતી.
આ અગાઉ, 3 માર્ચ, 2015ના રોજ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે વર્ષના મોટા નવનિર્માણ પછી નવીનીકૃત માછલીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં 12 ફૂટ લાંબી અને 360 ડિગ્રી એક્રેલિક કાચની ટનલ અને ખાસ પૂલ હતા, જ્યાં બાળકો માછલીઓને સ્પર્શ કરી શકતા હતા. હોંગકોંગ અને બેંગકોકથી માછલીઓની ઘણી પ્રજાતિઓ લાવવામાં આવી હતી.
તારોપોરવાલા એક્વેરિયમ અને મરીન બાયોલોજિકલ રિસર્ચ સ્ટેશનનું ઉદ્ઘાટન 28 મે, 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું નામ પારસી ઉદ્યોગપતિ-પરોપકારી ડી. બી. તારાપોરવાલાના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
તેમાં વિદેશી દરિયાઈ અને મીઠા પાણીની માછલીઓ સહિત 400 થી વધુ પ્રજાતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી અને 2015ના નવીનીકરણ દરમિયાન 12 ફૂટની એક્રેલિક ટનલ ઉમેરવામાં આવી હતી. તે માત્ર એક લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે જ નહીં પરંતુ એક શૈક્ષણિક કેન્દ્ર તરીકે પણ સેવા આપતું હતું, જેમાં કોરલ, માછલીના હાડપિંજર અને સીશેલનું પ્રદર્શન હતું.