સફાઈ કર્મચારીઓ બે શિફ્ટમાં સાફસફાઈ કરશે ને…
મુંબઈબરમાંથી કચરો ઉપાડવાનું કામ ખાનગી કૉન્ટ્રેક્ટરોને આપી દેવાશે

મુંબઈ: મુંબઈમાં પશ્ર્ચિમનાં ઉપનગરો કાંદિવલી, બોરીવલી અને દહિસર સહિત મુલુંડમાં કચરો ઉપાડીને લઈ જવાના કામનું ખાનગીકરણ બાદ હવે બાકીના વિસ્તારમાં પણ આ કામ કૉન્ટ્રેક્ટરને આપવાની સુધરાઈની યોજના છે. તેથી મુંબઈમાં કચરો લઈ જવા માટે ખાનગી વાહનોની સાથે જ હવે કચરો ઉપાડવાનું કામ પણ કૉન્ટ્રેક્ટર કરશે. તો આ કામ કરનારા પાલિકાના કર્મચારીઓને હવે મુંબઈમાં બીજી શિફ્ટમાં કરવામાં આવનારા સફાઈના કામમાં તહેનાત કરવામાં આવવાના છે.
મુંબઈના જુદા જુદા વિસ્તારમાંથી કચરો જમા કરીને તેને દેવનાર અને કાંજુરમાર્ગ તથા મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવા માટે અગાઉ આપેલા કૉન્ટ્રેક્ટની મુદત પૂરી થયા બાદ ૨૦૧૮માં નવો કૉન્ટ્રેક્ટર રાખવામાં આવ્યો હતો. પાલિકાએ આ કામ માટે ૧૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કૉન્ટ્રેક્ટર નીમ્યા હતા, જેમાં કાંદિવલી આર-દક્ષિણ વોર્ડ, બોરીવલી આર-સેન્ટ્રલ વોર્ડ, દહિસર આર-ઉત્તર વોર્ડ અને મુલુંડ ટી-વોર્ડમાં વાહન સહિત માણસો પૂરા પાડવાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. તેને કારણે આ વિસ્તારમાં પાલિકાના કર્મચારીઓને કચરો ઉપાડવાના કામમાં કોઈ હસ્તક્ષેપ કરવાનો નહોતો. તો બાકીની જગ્યાએ કચરો ઉપાડવાના વાહન કૉન્ટ્રેક્ટરના પણ પાલિકાના સફાઈ કર્મચારીઓ કચરો ઉપાડવાનું કામ કરતા હતા. સાત વર્ષ માટેનો કૉન્ટ્રેક્ટ પૂરો થવાથી પાલિકાએ નવેસરથી કૉન્ટ્રેક્ટ આપવાનો નિર્ણય લીધો હતો.
આ ચાર વોર્ડમાં ખાનગીકરણને સફળતા મળ્યા બાદ હવે મુંબઈના તમામ વોર્ડમાં આ પદ્ધતિએ કામ કરવાનો પાલિકાએ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જોકે હાલ એલ વોર્ડ અને એમ-પૂર્વ તથા એમ-પશ્ર્ચિમ વોર્ડને તેમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. અગાઉ ચાર વોર્ડમાં ખાનગીકરણ બાદ ત્યાં કામ કરનારા સફાઈ કર્મચારીઓની સંખ્યા ઘટાડીને તેમને સફાઈનાં કામમાં લગાડી દેવામાં આવ્યા હતા.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ચાર વોર્ડમાં સફળતા મળ્યા બાદ મુંબઈમાં આ યોજનાને અમલમાં મૂકવામાં આવશે. તેથી ત્યાં હાલ રહેલા પાલિકાના સફાઈ કર્મચારીઓને હવે મુંબઈમાં બે શિફ્ટમાં ચાલી રહેલા સફાઈનાં કામમાં લગાડી દેવામાં આવશે. મુંબઈમાં હવે સવાર અને સાંજ એમ બે શિફ્ટમાં સફાઈ કરવામાં આવે છે.
આ પણ વાંચો…ચોમાસામાં ખાડા પુરવા ૭૨ કરોડ રૂપિયાનું બજેટ…