પારસીઓ માટે જાણીતા પવિત્ર ભીખાબહેરામ કૂવાને 300 વર્ષ થયા પૂરા…

મુંબઈઃ દક્ષિણ મુંબઈના ચર્ચગેટ સ્ટેશન નજીક જરથોસ્તી સમુદાયની સીમાચિહ્નરૂપ હેરિટેજ સાઈટ ભીખા બહેરામ કૂવાને શુક્રવારે ઇરાની નવા વર્ષ જમશેદી નવરોઝના દિવસે 300 વર્ષ પૂર્ણ થયા છે. મુંબઈના પારસીઓ માટે આ કૂવો પવિત્ર જગ્યા છે.
શહેરના સૌથી જૂના મીઠા પાણીના કૂવાની ઓળખ ધરાવતા આ કૂવાનું નિર્માણ 1725માં ભીખાજી બહેરામ પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિ ભીકાજી તરસ્યા મુસાફરો અને સ્થાનિક લોકોની દુર્દશાથી વ્યથિત થયા હતા. લોકોની સમસ્યા દૂર કરવાના આશય સાથે તેમણે બારે માસ પાણી પૂંરુ પાડી શકે એવો એક કૂવો ખોદવાનું કામ હાથ ધર્યું હતું.
આ પણ વાંચો : કેન્સરને માત આપીને મેદાનમાં પાછા ફરનારા જોકીએ કરી નાખી કમાલ, જાણો સક્સેસ સ્ટોરી?
કૂવાના છત્રવાળા પરિસરમાં માત્ર પારસીઓ જ જઈ શકે છે, પરંતુ પાછળની બાજુએ આવેલા નળ દ્વારા ઉપલબ્ધ થતા કૂવાના પાણીનો ઉપયોગ તમામ સમુદાયો દ્વારા થઈ શકે છે. કૂવાનું મૂળ કાર્ય, લોકોને પાણી પૂરું પાડવાનું, 300 વર્ષ પછી પણ ચાલુ છે. આ ત્રિશતાબ્દીની ઉજવણીની શરૂઆત આજે જશ્ન સાથે થઈ હતી. જશ્ન એક ધાર્મિક વિધિ છે જેમાં પારસી-જરથોસ્તી સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા. શનિવારે અવા રોજ અથવા પાણીના વાલી દેવદૂતને સમર્પિત દિવસ છે અને આ દિવસે કૂવામાં પ્રાર્થના કરવામાં આવશે.
આજે ઇરાનના નવા વર્ષ અથવા જમશેદમી નવરોઝના દિવસે યોજાયેલા ત્રિશતાબ્દિ સમારંભમાં બચી કરકરિયા દ્વારા સંપાદિત `વોટર નમહઃ મુંબઈના ભીખા બહેરામ વેલના 300 વર્ષ’ નામના સ્મારક ગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી કૂવા નજીકના વિસ્તારને ‘ભીખા બહેરામ ચોક’ નામ આપવા જણાવ્યું છે.
(પીટીઆઈ)