બોલો, એસી ઓફિસમાં બેસીને મહિને ના કમાતા હોય એટલી કમાણી કરે છે આ ભિખારી…

મુંબઈ: ભિખારીનું નામ સાંભળતા જ આપણના મનમાં ગરીબ, ઘર વગરના, ગંદા કપડા પહેરેલા રોડ-રસ્તા પર પૈસા માંગતા વ્યક્તિઓનું ચિત્ર ઉપસી આવે છે. પરંતુ, હવે પરિસ્થિતિ એવી રહી નથી.
કેટલાક લોકો ભીખ માંગીને કરોડપતિ પણ બની ગયા છે, જેમાંથી એક છે ભરત જૈન અને તે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, આઝાદ મેદાન અને આસપાસના વિસ્તારોમાં ભીખ માંગે છે. ભીખ માંગીને તે દરરોજ બે થી અઢી હજાર રૂપિયા કમાય છે અને મહિને સરેરાશ ૭૫,૦૦૦ રૂપિયા.
આપણ વાંચો: સૌથી સ્વચ્છ અને ભિખારીમુક્ત શહેર ઈન્દોર પાસેથી વર્લ્ડ બેંક પણ શિખવા આવી, આપણે ક્યારે શિખીશું?
મુંબઈ અને નજીકના શહેરોમાં ઘણી મોટી કંપનીઓમાં કામ કરતા સુશિક્ષિત મુંબઈગરાઓને દિવસમાં ૧૨-૧૨ કલાક કામ કરવા છતાં આટલો પગાર મળતો નથી. ભરત જૈને ભીખ માંગીને ભેગા કરેલા પૈસામાંથી મુંબઈમાં ૧.૪ કરોડ રૂપિયાના બે ફ્લેટ, થાણેમાં બે મોટી દુકાન ખરીદી છે.
એક દુકાન માટે દર મહિને તે ૩૦,૦૦૦ રૂપિયા ભાડું વસૂલ કરે છે અને બીજી દુકાનમાં તેમનો પરિવાર તે સ્ટેશનરીનો વ્યવસાય ચલાવે છે. તેમના બાળકો એક મોટી ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. આટલી મોટી સંપત્તિ મેળવવા છતાં, ભરત જૈને ભીખ માંગવાનું છોડ્યું નથી.
ભરત જૈન જીવવા માટે કે બે સમયનું ભોજન મેળવવા માટે ભીખ માંગતા નથી. તેઓ ભીખ માંગીને કમાયેલા પૈસા યોગ્ય જગ્યાએ રોકાણ પણ કરે છે. તેમણે આ વ્યવસાયમાંથી કમાયેલા પૈસાનું રોકાણ કર્યું અને કરોડપતિ બન્યા.