મુંબઈગરાને ઘરબેઠા BMCની આ ટોલ ફ્રી હેલ્પલાઈન પર મળશે આ સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાગરિકોને ઘર બેઠા જુદી જુદી સુવિધાની માહિતી ઉપલબ્ધ થઈ રહે તે માટે મુંબઈ મહાનગર પાલિકા તરફથી નિ:શુલ્ક હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. 18001233060 આ હેલ્પલાઈન પર નાગરિકોને પાલિકાના અખત્યાર હેઠળ આવતા સ્વિમિંગ પૂલ, નાટ્યગૃહ, સભાગૃહ, બગીચા, મેદાનોની માહિતી ઉપલબ્ધ થશે. સોમવારે આ હેલ્પલાઈનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મુંબઈગરાને જુદી જુદી નાગરી સુખ-સુવિધા સરળ પદ્ધતિએ મળી રહે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ નિ:શુલ્ક હેલ્પલાઈન ચાલુ કરી છે. 18001233060આ હેલ્પલાઈન પર સંપર્ક કરીને નાગરિકો મુંબઈ મહાનગરપાલિકાના જુદા જુદા ઉપક્રમની માહિતી મેળવી શકશે.
પાલિકાના જણાવ્યા મુજબ હેલ્પલાઈન પર સ્વિમિંગ પૂલના સભાપદનું રજિસ્ટ્રેશનની હાલની સ્થિતી અને રજિસ્ટ્રેશન માટે કરવી પડવાની પ્રક્રિયાની માહિતી, વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાત લેવા માટે ઑનલાઈન પદ્ધતિએ કાઢવામાં આવતી ટિકિટનું રિર્ઝવેશન કરતા સમયે આવતી મુશ્કેલીનું નિરાકરણ, પાલિકાના જુદા જુદા નાટ્યગૃહ, સભાગૃહ, ઉદ્યાન, મેદાન વગેરેના આરક્ષણની હાલની સ્થિતિ, તેની ફી, આરક્ષણની પ્રક્રિયા તેમ જ ઈર્ન્ફોમેશન ઍન્ડ ટૅક્નોલોજી વિભાગ સંબંધિત માહિતી વગેરેનો સમાવેશ થાય છે.