મુંબઈગરાને Heatwaveમાંથી રાહત મેળવવા હજી રાહ જોવી પડશે…

મુંબઈઃ મે મહિનો શરૂ થઈ ગયો છે અને એની સાથે જ રાજ્યના તાપમાનમાં પણ ધરમૂળથી ફેરફાર જોવા મળી રહ્યો છે. પહેલાં જ અઠવાડિયામાં નાગરિકો એકદમ ત્રાહિમામ પોકારી ગયા છે અને રીતસરના પરસેવાના રેલેરેલા ઉતરી રહ્યા છે. આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા પણ Heatwaveની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા ઉચ્ચારવામાં આવેલી આગાહી અનુસાર એક તરફ રાજ્યમાં જ્યાં મુંબઈ અને ઉપનગરમાં Heatwaveની અસર જોવા મળશે. બીજી બાજુ ઉત્તર કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અનેક વિસ્તારમાં પણ વાતાવરણ તંગ જ રહેશે. મુંબઈમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ તો લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે. કોંકણમાં પણ વાતાવરણમાં ગરમાવો રહેશે.
આ ઉપરાંત દક્ષિણના કેટલાક રાજ્યને આ અઠવાડિયે ગરમીમાંથી રાહત મળશે, એવી શક્યતા પણ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળાનો પ્રકોપ વધતાં રાજ્યમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયે નાગરિકોએ પોતાની ખાસ કાળજી રાખવી જોઈએ, એવી ભલામણ પણ હવામાન ખાતા દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ સિવાય બપોરના સમયે જરૂર ના હોય તો ઘરની બહાર ના જવું જોઈએ અને શક્ય હોય એટલું વધારે પાણી પીવાનું પ્રમાણ વધારવું જોઈએ, તેમ જ હળવા અને સુતરાઈ કાપડ પહેરવાની સલાહ પણ નિષ્ણાતો દગ્વારા આપવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી પણ કરી છે. મરાઠવાડામાં આગામી કેટલાક દિવસ હવામાન વાદળછાયું અને ભારે પવન સાથે વરસાદ પડશે, એવી આગાહી કરવામાં આવી છે. મરાઠવાડાના એક-બે જિલ્લામાં વીજળીના કડકડાટ સહિત વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી રહ્યા છે.