મેટ્રો માટે લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટથી મુકિત્ મળશે મુંબઈગરાઓને

મુંબઈ: મુંબઇગરાઓને નવી ટેક્નોલોજીને પગલે હવે મેટ્રોમાં પ્રવાસ કરતા વખતે લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળવાની શક્યતા છે. મુંબઈમાં કુલ 14 મેટ્રો લાઇન તૈયાર થવાની છે અને પ્રવાસીઓને લાઇનમાં રહેવામાંથી રાહત મળે એ માટે નવી મોબાઇલ ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે.
આ ટેક્નોલોજીને પગલે પ્રવાસીઓ મેટ્રો સ્ટેશન પહોંચતા પહેલા જ પ્રવાસીઓને હવે તેમના મોબાઇલ પર ટિકીટ મળી જશે. હાલમાં જ યોજાયેલા એક ગ્લોબલ ઇકોનોમિક ટેક્નોલોજી ફેસ્ટિવલમાં આ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ પરિષદમાં વિવિધ ટેક્નોલોજીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં મેટ્રો ટિકીટ ટ્રાન્ઝેક્શનનો પણ સમાવેશ કરાયો હતો.
મુંબઈ મેટ્રો-1(ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપર) માટે કેશલેસ ટિકીટો વ્હોટ્સેપ પર, પુણે મેટ્રો માટે એસએમએસ પર ટિકીટ આપનારી એક આઇટી કંપનીએ આ વિશે જણાવ્યું હતું કે મુંબઈમાં હાલ અમે મેટ્રો-1ના પ્રવાસીઓને વ્હોટ્સેપ દ્વારા ટિકીટ ઉપલબ્ધ કરાવીએ છીએ.
આ પણ વાંચો : થાણેમાં મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ બતાવ્યો રસ…
એક નંબર પર અંગ્રેજીમાં ફક્ત ‘હાય’ મોકલાવીને ટિકીટ વ્હોટ્સેપ દ્વારા મેળવી શકાય એવી આ ટેક્નોલોજી છે.
‘હાય’ મોકલતાની સાથે જ એક લિંક પ્રવાસીને મોકલવામાં આવે છે જેના પર ક્લિક કરીને તે મેટ્રો સ્ટેશન પહોંચે એ પહેલા જ તેમને ટિકીટ મળી જાય છે. આ પ્રયોગ સફળ રહ્યો હતો અને ભવિષ્યમાં બધી જ મેટ્રો લાઇન પર ડિજીટલ પ્રકારે ટિકીટ ઉપલબ્ધ કરાવવા માટે એમએમઆરડીએ સાથે વાટાઘાટો શરૂ છે. મેટ્રોની ટિકીટો માટે એડ્વાન્સ ટેક્નોલોજી પૂરી પાડવામાં આવશે, એમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત આજકાલ લોકો રોકડ રાખવાને બદલે બેંકમાં પૈસા રાખી વિવિધ એપનો ઉપયોગ કરીને પૈસા ચૂકવે છે. જેને પગલે ભવિષ્યમાં મોબાઇલના બેલેન્સ મારફત પણ ટિકીટ મેળવી શકાય એવી ટેક્નોલોજી વિકસાવવાની યોજના છે. જો ઇન્ટરનેટ ન હોય તો પણએસએમએસ દ્વારા આરસીએસ ટેક્નોલોજી મારફત ટિકીટ કાઢી શકાશે. આમ પ્રવાસીઓએ ટિકીટ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.