મુંબઈગરાઓ જોઈલો…આવી લાગે છે તમારી Vande Metro, થોડા દિવસોમાં દોડતી થશે
મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસ દેશમાં ખૂબ જ લોકપ્રિય બની છે. 100 થી વધુ વંદે ભારત એક્સપ્રેસ હવે મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ શહેરોમાંથી દોડી રહી છે. વંદે ભારત એક્સપ્રેસની જેમ વંદે ભારત મેટ્રો ટ્રેન પણ શરૂ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. વંદે મેટ્રો લોકલ ટ્રેનોની લાઈનમાં દોડશે. વંદે મેટ્રોની પહેલી ઝલક એક વીડિયોમાં જોવા મળી છ. વંદે ભારત મેટ્રો કોચ પંજાબના કપૂરથલા રેલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે વંદે મેટ્રો ટ્રેન જુલાઈ મહિનામાં પાટા પર દોડશે.
રેલવે તરફથી મળેલી માહિતી મુજબ હાલમાં 50 વંદે મેટ્રો ટ્રેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ધીમે ધીમે તેમની સંખ્યા 400 સુધી પહોંચી જશે. વંદે મેટ્રો ટ્રેનની સ્પીડ 100 કિમીથી 250 કિમી સુધીની રહેશે. આ ટ્રેનમાં ડિફોલ્ટ કન્ફિગરેશન મુજબ 12 કોચ હશે. પરંતુ તેની સંખ્યા વધારીને 16 કોચ કરી શકાય છે. વંદે ભારત ટ્રેનની જેમ વંદે મીટર ટ્રેન પણ સ્થાનિક રીતે વિકસિત ટ્રેન છે. તેને સેમી હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ ટ્રેન કહી શકાય. આ ટ્રેન વંદે ભારત ટ્રેનનું મેટ્રો વર્ઝન છે.
રેલવે મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પ્રથમ તબક્કામાં આ ટ્રેન મુંબઈમાં શરૂ થશે. કારણ કે મુંબઈમાં લોકલ ટ્રેનોની ભારે માંગ છે. મુંબઈ બાદ રાજધાની દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતામાં વંદે મેટ્રો ચલાવવાની યોજના છે. આ ટ્રેનમાં 4, 8, 12 અને 16 કોચ હોઈ શકે છે. જોકે આ ટ્રેન મુંબઈમાં 12 કોચની સાથે શરૂ થશે.
વંદે મેટ્રો તમામ સુરક્ષા સિસ્ટમથી સજ્જ છે. વંદે મેટ્રોમાં એસી, ઓટોમેટિક ડોર, એલઈડી લાઈટ્સ, વાઈ-ફાઈ, સીસીટીવી કેમેરા, ટોઈલેટ અને પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ જેવી ઘણી સુવિધાઓ છે. વંદે ભારત દિલ્હી-મેરઠ, દિલ્હી-ગાઝિયાબાદ, મુંબઈ-થાણે, આગ્રા-મથુરા જેવા વ્યસ્ત રૂટ પર શરૂ કરવાની યોજના છે. આ ટ્રેનનું ભાડું નક્કી કરવામાં આવ્યું નથી.