આમચી મુંબઈ

મુંબઈગરાને લાગુ પડશે ‘યુઝર ફી’: ૧૦૦ રૂપિયાથી લઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની ફી વસૂલાશે

રસ્તા પર વાહનો ધોવા માટે પણ હવે દંડ ફટકારાશે

મુંબઈ: મુંબઈગરાએ હવે પાલિકા તરફથી ઉપાડવામાં આવતા કચરાના પૈસા તેમના ખિસ્સામાંથી કાઢવા પડવાનાં છે, તેને લગતો મુસદ્દો તૈયાર છે. આ મુસદ્દો તૈયાર હોઈ તેના પર નાગરિકો પાસેથી વાંધા અને સલાહ-સૂચનો ૩૧ મે સુધી મગાવવામાં આવ્યા છે. કચરો ઉપાડવાની ફી મિલકતની સાઈઝ પ્રમાણે ૧૦૦ રૂપિયાથી લઈને ૭,૫૦૦ સુધીની રહેશે.

લગભગ બે દાયકા બાદ મુંબઈ મહાનગરપાલિકો ૨૦૦૬ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પેટા નિયમોમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં કચરો ભેગો કરવા માટે ‘યુઝર ફી’ દાખલ કરવાનો સમાવેશ થાય છે. આ ફી મિલકતની સાઈઝ, તેનો ઉપયોગ, પ્રકાર અને કચરાના ઉત્પાદન પેટર્નના આધારે નક્કી કરવામાં આવશે. વધુમાં રસ્તાઓ પર વાહનો ધોવા માટે ૫૦૦ રૂપિયાનો નવો દંડ પણ હવેથી વસૂલવામાં આવવાનો છે. નવા ડ્રાફ્ટના પેટા-નિયમોમાં કચરો ફેંકવા, થૂંકવા, લઘુશંકા કરવા અને ટોઈલેટ કરવા તથા ખુલ્લી જગ્યા પર ન્હાવા કરવા વગેરે માટે પણ દંડ વધારવામાં આવવાનો છે.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર ત્રણ કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: કેરળના યુવકની ધરપકડ…

નોંધનીય છે કે તાજેતરમાં કચરો બાળવા માટેના દંડમાં વધારો કરીને ૧૦૦ રૂપિયાથી તેને ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ‘યુઝર ફી’ લાગુ કરવી એ કેન્દ્ર સરકાર દ્વાર જાહેર કરવામાં આવેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ, ૨૦૧૬ સાથે સુસંગત છે. નવા ડ્રાફ્ટમાં બનાવવામાં આવેલા નિયમમાં રહેણાંક એકમો માટેની માસિક ફી વસૂલવાનો પ્રસ્તાવ છે. ૫૦ ચોરસ મીટર સુધીના એકમ માટે ૧૦૦ રૂપિયા, ૩૦૦ સ્કવેર મીટર સુધીના એરિયા માટે ૫૦૦ રૂપિયા અને ૩૦૦ સ્કવેર મીટરથી ઉપરના વિસ્તાર માટે ૧,૦૦૦ રૂપિયાનો સમાવેશ થાય છે.

કમર્શિયલ એસ્ટાબ્લિશમેટ, દુકાનો, ખાવા-પીવાની જગ્યા જેમ કે ઢાબા, મીઠાઈની દુકાન અને કોફી હાઉસ વગેરે જેવા સ્થળો માટે ૫૦૦ રૂપિયા વસૂલવામાં આવશે. એ ઉપરાંત ખાનગી અને સરકારી ઓફિસ, બેંક, કોચિંગ ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી કચરો એકઠો કરવા માટે ૭૫૦ રૂપિયા વસૂલવામાં આવશે. જયારે ૩૦૦૦ ચોરસ મીટર સુધીના વિસ્તાર ધરાવતા મેરેજ અને ફેસ્ટિવલ હોલ માટે, એક્ઝિબિશન અને મેળાઓેએ કચરા સંગ્રહ માટે ૭,૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ૨૦૦૬ના બાય-લોઝ મુખ્યત્વે કચરો ભેગો કરવા અને તેના નિકાલ પર ધ્યાન આપનારા હતા. પરંતુ કચરાને ઘટાડવા પર પૂરતો ભાર આપવામાં આવ્યો નહોતો. મૂળ બાય-લોઝમાં કચરાને અલગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ તેનો અસરકારક રીતે અમલ કરવામાં આવ્યો નહોતો. સુધારેલા બાય-લોઝ હવે ભીના, સૂકા અને જોખમી કચરાના સ્પષ્ટ વર્ગીકરણ સાથે સ્રોત્ર પર કચરાને અલગ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

ડમ્પિંગ ગ્રાઉન્ડ પરનો ભાર ઓછો કરવા માટે સુધારેલા નિયોમાં કચરો અલગ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કડક દંડનો સમાવેશ થાય છે. વધુમાં ગેરકાયદે ડમ્પિંગ, ખુલ્લામાં કચરો બાળવા અને અયોગ્ય કચરાના સંચાલન માટે ભારે દંડનો પ્રસ્તાવ છે. વારંવાર ઉલ્લંઘન કરનારાઓને વધુ દંડનો સામનો કરવો પડશે અને જરૂરી હોય તો કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ છે.

આ પણ વાંચો: ખેડૂતોની લોન માફી નહીં કરવા માટે અજિત પવાર રાજીનામું આપેઃ રાઉત…

શહેરમાં દરરોજ ૬,૫૦૦ મેટ્રિક ટન કચરાનું ઉત્પાદન થાય છે, જે મુખ્યત્વે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે અને થોડો કચરો દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મોકલવામાં આવે છે. પાલિકા ‘યુઝર ફી’ના માધ્યમથી લગભગ ૬૮૭ કરોડ રૂપિયાની આવક ઊભી કરવાની અપેક્ષા રાખે છે, જે પ્રતિ યુનિટ વસૂલવામાં આવશે. આ અંદાજ મુંબઈમાં પ્રોપર્ટી ટેક્સ માટે આકારણી કરાયેલી ૫.૯ લાખ મિલકતો પર આધારિત હોવાની શક્યતા છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ કચરો અલગ નહીં કરવા માટે વ્યકિતગત રીતે પહેલા ૧૦૦ રૂપિયાનો દંડ હતો તે હવે ૨૦૦ રૂપિયા કરાશે. બ્લક જનરેટર માટે પહેલા ૫૦૦ રૂપિયા હતા તો તે ૧,૦૦૦ રૂપિયા થશે. ગેરકાયદે રીતે બિલ્ડિંગના કાટમાળને ફેંકવા માટે ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટાકારાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button