Vasai Murder:”મારી સાથે આવું કેમ કર્યું?” પાગલ પ્રેમી રસ્તા પર તેની પૂર્વ પ્રેમિકા પર હુમલો કરતો રહ્યો, લોકો જોતા રહ્યા
મુંબઈને અડીને આવેલા વસઈ વિસ્તારમાં પ્રેમીએ રસ્તામાં જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યાનો લાઈવ સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ જણાવવામાં આવી રહી છે. આ ઘટના વસઈ પૂર્વ ચિંચપાડા વિસ્તારમાં બની હતી.
મૃતક યુવતીનું નામ આરતી યાદવ (ઉંમર 20) છે અને આરોપીનું નામ રોહિત યાદવ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરીની હત્યા પાછળનું કારણ બ્રેકઅપ હોઈ શકે છે. તેને શંકા હતી કે તેની એક્સ ગર્લફ્રેન્ડ આરતી યાદવ કોઈ અન્ય સાથે રિલેશનશિપમાં છે. આ બાબતે જ રોહિતે મંગળવારની સવારે રોડ પર ધોળે દિવસે આરતીની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીએ યુવતીના માથા પર લોખંડના સ્પેનર વડે અનેક વાર કર્યા હતા. સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે હત્યારો આ હત્યાને અંજામ આપી રહ્યો હતો ત્યારે તે જોવા માટે ત્યાં ભારે ભીડ હતી. એક વ્યક્તિએ આરતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આરોપી તેના પર પણ હુમલો કરવા દોડી ગયો હતો, ત્યાર બાદ મૃતક યુવતીને બચાવવા કોઇ આગળ આવ્યું નહોતું.
આ પણ વાંચો : મુંબઈ, પુણેના બારમાં દારૂ પીવા જનારાઓ ખાસ વાંચો, હવે આ પુરાવાની જરૂર પડશે
વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી રસ્તાની વચ્ચે પડી રહી છે અને આરોપી છોકરાએ હાથમાં લોખંડનું સ્પેનર પકડ્યું છે. છોકરીના માથામાંથી લોહી વહી રહ્યું છે.
માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મામલો પ્રેમ પ્રકરણનો છે. આરોપી અને મૃતક એકબીજાના સંબંધમાં હતા. યુવતીનું થોડા દિવસ પહેલા બ્રેકઅપ થઈ ગયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને કસ્ટડીમાં લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.