મુંબઈગરાએ અનુભવી કડકડતી ઠંડીપારો ૧૮.૪ ડિગ્રી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈરાને તેમના કબાટમાંથી શાલને ધાબળા કાઢવાનો વખત આવી ગયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત નીચો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે ચાલુ વર્ષમાં શિયાળાની મોસમમાં પહેલી વખત તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. આ અગાઉ બુધવારે મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈમાં બુધવારે વહેલી સવારના તાપમાનનો પારો ૧૮.૬ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. એ બાદ ગુરુવારે પારો ફરી ૧૯ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જોકે શુક્રવારે ફરી તેમાં ઘટાડો નોંધાયો હતો. વહેલી સવારના સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૮૩૪ ડિગ્રી નોંધાયું હતું, જે શિયાળાની મોસમમાં અત્યાર સુધીનું નીચું તાપમાન છે. આ અગાઉ મુંબઈમાં ૧૧ નવેમ્બર, ૨૦૧૬માં સાંતાક્રુઝમાં ૧૬.૩ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું.
તો ૨૧, ૨૨ અને ૨૯ નવેમ્બર ૨૦૨૨ના સાંતાક્રુઝમાં ૧૭ ડિગ્રી નોંધાયું હતું. તો મુંબઈમાં અત્યાર સુધી નવેમ્બરમાં સૌથી ઓછું તાપમાન ૧૯ નવેમ્બર, ૧૯૫૦ની સાલમાં ૧૩.૩ ડિગ્રી નોંધાયું હતું. જયારે કોલાબામાં ૨૦ નવેમ્બર, ૧૯૮૧ રોજ ૧૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ મુંબઈમાં તાપમાન ઠંડક જળવાઈ રહેવાનો અંદાજો છે. મુંબઈની સાથે રાજ્યમાં પણ હાલ મોટાભાગના જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન જળગાંવમાં ૯.૧ ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યમાં સૌથી નીચું તાપમાન જળગાંવમાં ૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૨.૬ ડિગ્રી, અહમદનગરમાં ૧૧.૪ ડિગ્રી, નાશિકમાં ૧૦.૬ ડિગ્રી, પુણેમાં ૧૨.૭ ડિગ્રી, બીડમાં ૧૧.૦ ડિગ્રી સહિત વિદર્ભના મોટાભાગના જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ૧૦થી ૧૪ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.



