પશ્ચિમ રેલવેના મુસાફરો ધ્યાન આપો.. આવતા અઠવાડિયાથી 35 દિવસનો મેગા બ્લોક, 650 થી 700 ટ્રેનો થશે રદ…
મુંબઇઃ પશ્ચિમ રેલવેના મુસાફરો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. આવતા અઠવાડિયાથી વેસ્ટર્ન લાઇન પરના મુસાફરોએ વિલંબ અને અંધાધૂંધીનો સામનો કરવો પડવાનો છે, કારણ કે આ મહિનાના અંતમાં ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કામકાજ માટે 35-દિવસના મેગા બ્લોક રાખવામાં આવ્યો છે, જેને કારણે આ સમયગાળા દરમિયાન લગભગ 650 થી 700 ટ્રેન સેવાઓ રદ કરવામાં આવશે. આ બ્લોક 27 ઓગસ્ટની રાત્રે શરૂ થવાનો છે.
WRના અધિકારીઓએ આ મેગા બ્લોક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મેગા બ્લોક મુખ્યત્વે સપ્તાહના અંતે લેવામાં આવશે, જે દસ કલાક સુધી ચાલશે. આ બ્લોક્સ રાતના સમયે લેવામાં આવશે. આ બ્લોક દરમિયાન દરરોજ રાત્રે અંદાજે 130-140 ટ્રેન સેવાઓ રદ થવાની ધારણા છે. અઠવાડિયાના દિવસોમાં આ બ્લોક્સ ટૂંકા હશે અને રાત્રે પાંચ કલાક સુધી ચાલશે, જેમાં ઓછી ટ્રેનો રદ કરવામાં આવશે. સપ્તાહના અંતે અને મોડી રાત્રે સૌથી લાંબો બ્લોક શેડ્યૂલ કરીને મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવાનો રેલવેનો ઉદ્દેશ્ય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 10-દિવસીય ગણેશોત્સવ દરમિયાન કોઇ બ્લોક લેવામાં આવશે નહીં.
નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં સાંતાક્રુઝ-ગોરેગાંવ છઠ્ઠી લાઇન પરના કામ માટે મેગા બ્લોક લેવામાં આવ્યો હતો, જે દરમિયાન 2,500 થી વધુ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી. જોકે, આ વખતના બ્લોકમાં માત્ર 650થી 700 ટ્રેન સેવાઓ જ રદ્ થશે, કારણ કે સપ્તાહના અંતે રાતના સમયે 10 કલાકના મેગા બ્લોક રાખવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓને બહુ અસુવિધા નહીં થાય.
નાઇટ બ્લોક્સ સામાન્ય રીતે ચોક્કસ દિવસના આધારે 10-11 વાગ્યાની વચ્ચે શરૂ થશે. પ્રોજેક્ટના 5મા, 12મા, 16મા, 23મા અને 30મા દિવસ માટે પાંચ મોટા 10-કલાકના બ્લોકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 સપ્ટેમ્બરના રોજ એક નાઇટ બ્લોક સિવાય, 7-17 સપ્ટેમ્બરની વચ્ચે કોઈ બ્લોક નક્કી કરવામાં આવ્યા નથી.