રેલવેમાં દિવસભર આ કારણસર લોકલ ટ્રેનો મોડી દોડતી રહી હતી, જાણો કારણ?

મુંબઈઃ મુંબઈમાં હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી પડે છે જયારે દિવસ દરમિયાન ઉનાળા જેવો ગરમ હોય છે. આવા વાતાવરણને કારણે રાત્રે રેલવેના પાટા સંકોચાય છે અને દિવસે ગરમી વધતા ફૂલે છે જેના કારણે પાટામાં તિરાડો પડવાની ઘટના બને છે. આજે આ જ કારણસર વિક્રોલી અને કાંજુરમાર્ગ સ્ટેશનો વચ્ચે પાટામાં તિરાડ પડવાને કારણે મધ્ય રેલવેની મેઈન લાઇનમાં લોકલ ટ્રેનનું શેડ્યૂલ ખોરવાયું હતું.
સવારથી લઈને દિવસભર લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડતી રહી હતી, જ્યારે અમુક ટ્રેનોને ઝીરો-ઝીરો શેડ્યૂલમાં સ્પેશિયલ કેટેગરીમાં દોડાવી હતી. કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી ઉપનગરીય ટ્રેનો સમયપત્રકથી અડધો કલાકથી વધુ મોડી દોડતી રહી હતી, જેના કારણે લોકલ ટ્રેન અને સ્ટેશન પર પણ પ્રવાસીઓની ભીડમાં વધારો થયો હતો.
રેલ ફ્રેક્ચર અંગે મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે આજે સવારે 7.32 વાગ્યે ડાઉન સ્લો લાઇન પર રેલ ફ્રેક્ચર થયું હતું, જેના કારણે લોકલ ટ્રેનની સ્પીડ રિસ્ટ્રિક્શન મૂકી હતી, જ્યારે અમુક ટ્રેનોને રદ કરી હતી. ઉપરાંત, અમુક લોકલ ટ્રેનો પીક અવર્સમાં મોડી પડતા કલ્યાણ, ડોંબિવલી, થાણેના પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.
રેલ ફ્રેક્ચર પછી મરમ્મત કામકાજ ઝડપથી હાથ ધરવામાં આવ્યું હતું. સવારે 7.58 વાગ્યે કોરિડોરને સેફ જાહેર કર્યો હોવા છતાં મેઈન લાઈનના કોરિડોરમાં લોકલ ટ્રેનની સ્પીડ કલાકના 30 કિમી ઝડપથી દોડાવવામાં આવી હતી. ઉપરાંત, માટુંગા સ્ટેશનથી ધીમી લોકલ ટ્રેનોને ફાસ્ટ લાઇન પર વાળવામાં આવી હતી. હાલમાં મધ્ય રેલવેમાં રોજના 1,800થી વધુ લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે, જેમાં સીએસએમટીથી કલ્યાણ કોરિડોરમાં સૌથી વધુ ટ્રાફિક રહે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…લોકલ ટ્રેનની ટિકિટ કઢાવવા હવે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, રેલવેએ શરૂ કરી ખાસ સુવિધા…



