આમચી મુંબઈ

મુંબઈમાં મેઘરાજાએ નવા વર્ષનું વરસાદથી સ્વાગત થયું, ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી

મુંબઈ: આજથી નવા વર્ષની શરૂઆત થઇ ચુકી છે, ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે મુંબઈમાં મેઘરાજાએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ગત રાતે શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો, વહેલી સવારે વરસાદનું જોર વધ્યું હતું.

ગત રાત્રે દક્ષિણ મુંબઈ, મધ્ય મુંબઈ, પશ્ચિમ ઉપનગરો અને થાણેના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ હળવા વરસાદને કારણે, શહેરમાં તાપમાન ઘટ્યું હતું.

હવામાનમાં આવેલા અચાનક પલટા માટે મુંબઈકરો તૈયાર ન હતા, ઘણા લોકોના ન્યુ યર પ્લાન બગડ્યા હતાં. કેટલાક લોકો છત્રી સાથે નવા વર્ષ ઉજવવા બહાર નીકળ્યા હતાં. વહેલી સવારે વરસેલા વરસાદને કારણે રોજીંદા જીવનને પણ અસર પહોંચી હતી.

હવામાન વિભાગે જણાવ્યું કે દરિયાનો ભેજ હવા સાથે આવતા શહેરમાં હળવો વરસાદ પડ્યો. હવમાન વિભાગે આજે મુંબઈમાં વરસાદ અંગે ચેતવણી જાહેર કરી નથી.

સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં મુંબઈમાં પ્રમાણમાં ઠંડુ અને સુકું હવામાન રહેતું હોય છે અને આકાશ સ્વચ્છ રહેતું હોય છે, વર્ષના પહેલા દિવસે વરસાદ ભાગ્યે જ જોવા મળે છે. નવા વર્ષની રાત્રે વરસાદ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. મુંબઈમાં અણધાર્યા વરસાદને કારણે લોકો ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરી રહ્યા છે.

બીજી તરફ ઉત્તરભારતમાં ઠંડી વધી રહી છે. દિલ્હીમાં ગઈ કાલનો દિવસ છ વર્ષમાં ડિસેમ્બરમાં નોંધાયેલો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. આસામના ગુવાહાટીમાં દિવસના તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button