પાણીના ગળતર અને દૂષણની સમસ્યાનો અંત આવશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાલ અનેક ઠેકાણે થઈ રહેલા ઓછો પાણીના પુરવઠા સહિત પાણીના પાઈપલાઈનમાં થનારા ગળતર અને દૂષણની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત છે ત્યારે બહુ જલદી મુંબઈગરાને આ તમામ સમસ્યાથી રાહત મળવાની છે. પાણીના ગળતર અને દૂષણને રોકવા મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૨૧-૨૨માં નવી વોટર ટનલ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.
જેમાં દૂષિત પાણી અને ગળતરને રોકવા તેમ જ પાણીના દબાણને વધારવા માટે ડિઝાઈન કરેલી અમર મહેલ-ટ્રૉમ્બે ટનલ તેના અંતિમ તબક્કામાં છે. આવતા મહિનેથી કાર્યરતા થયા પછી તે ગોવંડી, માનખુર્દ, દેવનાર અને ચેમ્બુર જેવા વિસ્તારોમાં મળતા પાણીપુરવઠાને ઘણો ફાયદો કરાવશે.
અમર મહેલ (ચેમ્બુર) અને ટ્રૉમ્બે હાઈ લેવલ રિઝર્વિયરને જોડતી ૫.૫ કિલોમીટર લાંબી ટનલને ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ખોદકામ અને આરસીસી લાઈનિંગનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે, જ્યારે સપાટી સ્તરની પાઈપલાઈન નાખવાનું કામ અંતિમ તબક્કામાં હાલ ચાલી રહ્યું છે.
અગાઉ આ કામ સપ્ટેમ્બર ૨૦૨૫માં સુધીમાં પૂર્ણ થવાનું આયોજન હતું પણ હવે આ પ્રોજેક્ટ નવેમ્બરમાં પૂરો થવાની અપેક્ષા છે. ત્યારબાદ ટનલ દ્વારા પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે. આ દરમ્યાન પાલિકાએ અમર મહેલમાં હેગડેવાર ઉદ્યાનથી વડાલાના પ્રતિક્ષા નગર અને આગળ પરેલમાં ધવન ઉદ્યાન સુધી લંબાઈ ગયેલી ૯.૭ કિલોમીટર લાંબી પાણીની ટનલનું ખોદકામ પણ પૂર્ણ કર્યું છે.
પહેલા તબક્કામાં અમર મહેલ અને વડાલા વચ્ચે આરસીસી લાઈનિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. જયારે બીજા તબક્કામાં વડાલાથી પરેલ સુધી કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને એક વખત તે કાર્યરત થયા પછી વડાલા, સાયન, પરેલ, શિવડી, ભાયખલા, નાગપાડા અને કુર્લાના કેટલાક વિસ્તારોમાં પાણીપુરવઠામાં નોંધપાત્ર સુધારો થશે.
આ દરમ્યાન તાજેતરમાં ઉત્તર મુંબઈના ગોરેગામથી લઈને દહિસર સુધીના વિસ્તારમાં ઓછા અને દૂષિત પાણી પુરવઠા બાબતે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી સાથે સ્થાનિક લોકપ્રતિનિધિઓની એક બેઠક થઈ હતી. બેઠક બાદ કમિશનરે વધારાનો પાણી પુરવઠો કરવો શક્ય નહીં હોય તો આ વિસ્તારોમાં રહેલી દૂષિત પાણી પુરવઠા અને પાણીના ગળતરની સમસ્યાનો ઉકેલ શક્ય એટલી વહેલી તકે લાવવાનો પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરોને આપ્યો હતો.



