પૂર્વ ઉપનગરમાં આ વિસ્તારમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા જુદી જુદી પાઈપલાઈનમાં વાલ્વ બેસાડવાનું કામ કરવામાં આવવાનું છે. આ કામ ૨૨ કલાક સુધી ચાલશે. તેથી આ સમય દરમ્યાન પૂર્વ ઉપનગરના અમુક વિસ્તારમાં ૨૪ કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની જૂની તાનસા અને ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની નવી તાનસા અને ૮૦૦ મિલીમીટર વ્યાસની વિહાર ટ્રંક મેઈલ પાઈપલાઈન પરના ૩૦૦ મિલીમીટર, ૬૦૦ મિલીમીટર અને ૯૦૦ મિલીમીટર વ્યાસના એમ કુલ પાંચ વાલ્વ બદલવાનું કામ હાથમાં લેવામાં આવવાનું છે.
આ કામ શુક્રવાર ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના સવારના દસ વાગ્યાથી શનિવાર, ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના સવારના આઠ વાગ્યા સુધી કુલ ૨૨ કલાક ચાલુ રહેવાનું છે. તેથી આ સમયગાળામાં પાલિકાના ઘાટકોપર, ચેમ્બુર, કુર્લા અને માટુંગા, દાદરના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્ણપણે બંધ રહેશે.



