Top Newsઆમચી મુંબઈ

દક્ષિણ મુંબઈ સહિત પૂર્વ ઉપનગરમાં પાણીના બે દિવસ ધાંધિયા:આજે પાણી પુરવઠો સામાન્ય થશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ઘાટકોપર અમલ મહેલ પાસે અંડર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વોટર ટનલ સાથે પાઈપલાઈનને જોડવાનું કામ હાથમાં લીધું હતું, જે નિયોજિત ૩૦ કલાકથી પણ વધુ સમય ચાલતા મુંબઈના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે મંગળવાર પણ પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો. મંગળવાર મોડી સાંજ સુધી કામ ચાલ્યું હોવાથી આજે સાંજ સુધીમાં બધા વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થઈ જશે એવો દાવો પાલિકાએ કર્યો છે.

અમર મહેલ જંકશન પાસે અંડર ગ્રાઉન્ડ વોટર ટનલના શાફ્ટને ૨,૫૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન સાથે જોડવાનું કામ સોમવાર પહેલી ડિસેમ્બરના સવારના ૧૦ વાગ્યાથી શરૂ કરીને બીજી ડિસેમ્બર, ૨૦૨૫ના સાંજના ચાર વાગ્યા સુધી પૂરું કરવાનું હતું. મંગળવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં એટલે ૩૦ કલાકમાં પૂરું કરવાનું આયોજન હતું અને તે માટે સોમવારે પાણી પુરવઠો બંધ અને બીજા દિવસે ઓછા દબાણ સાથે પાણીપુરવઠો કરવામાં આવશે એવી અગાઉ પાલિકાએ જાહેરાત કરી હતી. જોકે દક્ષિણ મુંબઈ સહિત પૂર્વ ઉપનગરના અનેક વિસ્તારોમાં સોમવાર બાદ મંગળવારે સતત બીજા દિવસે પણ પાણીપુરવઠો ખોરવાઈ જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

મુખ્યત્વે દક્ષિણ મુંબઈમાં કોલાબા, ફોર્ટ, વાડીબંદર, દાણા બંદર, ડોંગરી, બીપીટી વિસ્તારથી લઈને મસ્જિદ બંદર, મુંબઈ સેન્ટ્રર, ભાયખલા, મહાલક્ષ્મી, ચિંચપોકલી, મઝગાવં, પરેલ, સાયન, દાદર, વડાલા, નાયગાંવ, શિવડી જેવા અનેક વિસ્તારોમાં પાણીપુરવઠાને ફટકો પડયો હતો. તો પૂર્વ ઉપનગરમાં કુર્લાથી લઈને ચેમ્બુર, માનખુર્દ, ઘાટકોપર, ગોવંડી, માહુલ, વિદ્યાવિહાર,, ઘાટકોપરમાં પંતનગર, ગારોડિયા નગર, કામરાજ નગર, ચિરાગ નગર, માણેકલાલ, એલ.બી.એસ. રોડ, ગોદરેજ, વિક્રોલી વિલેજ, ઘાટકોપર પશ્ર્ચિમમાં નારાયણ નગર, સર્વોદય, ગંગાવાડી સહિત વિક્રોલી પૂર્વમાં ટાગોર નગર, કન્નમવાર નગર, કાંજુરમાર્ગ પૂર્વ, ભાંડુપ પૂર્વ અને નાહૂર પૂર્વમાં પાણીને લઈને નાગરિકોને ભારે હાલાકી થઈ હતી.

પાણીના અભાવે ઉપનગરમાં આવેલી અનેક ઝૂંપડપટ્ટીઓમાં સાર્વજનિક શૌચાલયો પાણી બંધ રહેવાને કારણે નાગરિકોને હેરાનગતી થઈ હતી. ઘરમાં ભરી મૂકેલા પાણી પણ ખતમ થઈ જતા ગૃહિણીઓને રસોઈ કેમ કરવી તેવો પ્રશ્ર્ન થઈ ગયો હતો. તો અનેક જગ્યાએ નાની હોટલો પણ પાણીના અભાવે મંગળવારે બંધ રહી હતી.

અંડરગ્રાઉન્ડ ટનલને પાઈપલાઈન સાથે જોડવાનું કામ મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધી પૂરું કરવાનું આયોજન હતું પણ તે મોડી રાત સુધી પણ પૂરું થઈ શક્યું નહોતું અને તેને કારણે દક્ષિણ મુંબઈ સહિત પૂર્વ ઉપનગરમાં સોમવારે પાણીપુરવઠો બંધ અને મંગળવારે ઓછા દબાણ સાથે આપવાની જાહેરાત પ્રશાસને કરી હતી. જોકે તેનાથી વિપરીત કામ પૂરું થયું ન હોવાથી મંગળવારે પણ અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો થઈ શક્યો નહોતો. નાગરિકોને પીવા પાણી માટે દુકાનોમાં પાણીના બાટલા ખરીદવા માટે ભીડ કરી મૂકી હતી. તો અનેક હાઉસિંગ સોસાયટીમાં મોંઘાભાવે ટેન્કર મંગાવવાની નોબત આવી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button