Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું જ પાણી…
મુંબઈઃ બળબળતી ગરમીથી પરેશાન મુંબઈગરાને વધારે પરેશાન કરતાં એક સમાચાર આવી રહ્યા છે. મુંબઈને પાણી પુરવઠો કરનારા જળાશયોમાં પાણીપુરવઠો સતત ઘટી રહ્યો છે અને એને કારણે આગામી કેટલાક દિવસમાં મુંબઈગરાઓ પર પાણીકાપ (Mumbai City Water Shortage)ની તલવાર તોળાઈ રહી છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોમાં પાણીપુરવઠો 10 ટકા જેટલો જ રહ્યો છે, જેને કારણે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રિઝર્વ પાણીપુરવઠો અઢીલાખ દસલાખ લિટર હોવા છતાં પણ ચોમાસા પર દરોમદાર નહીં રાખી શકાય. પ્રશાસન દ્વારા આગામી એકાદ-બે દિવસમાં ફરી એક વખત પુરવઠાની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ પાણીકાપ (Mumbai Water Cut) અંગે કોઈ પણ નિર્ણય લેવાશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીએ આ પાણીપુરવઠો સૌથી ઓછો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પાણીનું સંકટ તીવ્ર બન્યુંઃ 10,000 ગામને ટેન્કરનો આશરો
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈને અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, વિહાર, તુળસી સહિત સાત જળાશયમાં હાલમાં 1,54,471 દસલાખ લિટર જેટલો એટલે કે 10 ટકા પાણીપુરવઠો છે. ગયા વર્ષે 22મી મેના દિવસે આ પુરવઠો 16.43 ટકા પાણીપુરવઠો હતો તો 2022માં આ જ સમયગાળા દરમિયાન જળાશયોમાં 21 ટકા જેટલો પાણીપુરવઠો હતો.
મુંબઈને દરરોજ 3800 દસલાખ લિટર પાણીપુરવઠો કરવામાં આવે છે પાલિકાના નિયોજન એક ટકા પાણી મુંબઈગરાને ત્રણ દિવસ ચાલે છે. આ ગણતરી પ્રમાણે મુંબઈગરાને એક મહિના માટે આશરે 12-13 ટકા પાણીની જરૂર પડે છે. પરંતુ સતત વધી રહેલી ગરમીને કારણે મોટા પ્રમાણમાં પાણીની વરાળ બની જાય છે. આ સિવાય જૂનમાં જોઈએ એવો વરસાદ પણ નથી તેથી આ પાણી જુલાઈ મહિના સુધી ચલાવવું પડે એમ છે.
રાજ્ય સરકારે રિઝર્વ રાખવામાં આવેલા પાણીપુરવઠામાંથી પાણી વાપરવાની પરવાનગી આપવામાં આવી છે અને એ અનુસાર ભાતસામાંથી 1,37,000 તો અપર વૈતરણામાંથી 91,130 દસલાખ લિટર પાણી ઉપલબ્ધ થયું છે અને આ પાણી જ જુલાઈ મહિનાના અંત સુધી ચલાવવું પડશે. પાણીપુરવઠામાં ઝડપથી થઈ રહેલાં ઘટાડાને ધ્યાનમાં લઈને આગામી કેટલાક દિવસમાં પાલિકાની એક રિવ્યૂ મીટિંગ લેવામાં આવશે અને એમાં પાણીકાપ બાબતે ચર્ચા કરાશે, એવી શક્યતા પાલિકા અધિકારી દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.