મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયો ૯૯ ટકા પાણીનો સ્ટોક આવતા વર્ષ સુધી પાણીકાપની ચિંતા ટળી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં આખરે પાણીનો જથ્થો ૯૯ ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી પડી રહેલા વરસાદને પગલે જળાશયોમાં પાણીમાં સ્તરમાં વધારો થયો હોવાથી આવતા વર્ષ સુધી હવે પાણીકાપનું સંકટ દૂર થઈ ગયું હોવાનું માનવામાં આવે છે.
મુંબઈ પ્રતિદિન સરેરાશ ૪,૦૦૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. દૈનિક સ્તરે મુંબઈની પાણીની જરૂરિયાત મુંબઈ, થાણે અને નાશિક જિલ્લામાં આવેલા અપર વૈતરણા, તાનસા, તુલસી, મોડક સાગર, મધ્ય વૈતરણા, ભાતસા અને વિહારમાંથી પૂરી કરવામાં આવે છે.
મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં શુક્રવારથી ફરી વરસાદ શરૂ થયો છે, તેને કારણે જળાશયોના કેચમેન્ટમાં પણ નોંધપાત્ર વરસાદ પડયો છે. મંગળવારે સવારના સાતેય જળાશયોમાં પાણીનું સ્તર ૧૪,૩૦,૩૪૫ મિલ્યન લિટરે પહોંચી ગયું હતું, જે તેની કુલ ક્ષમતાના ૯૮.૮૦ ટકા છે.
મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવો હોય તો જળાશયોમાં પહેલી ઑક્ટોબરના પાણીનો જથ્થો ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલો હોવો જોઈએ. તેની સામે હાલ જળાશયોમાં ૧૪,૩૦,૩૪૫ મિલ્યન લિટર એટલે કે ૯૮.૮૨ ટકા જેટલું પાણી છે. એક ટકા પાણી મુંબઈની ત્રણ દિવસ પાણીની જરૂરિયાતને પહોંચી વળે છે.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જળાશયોમાં પાણીનો જથ્થો ૯૮.૮૨ ટકા થઈ ગયો છે. ચોમાસાની વિદાયને હજી થોડો સમય બાકી છે, તેથી આગામી દિવસોમાં હજી નોંધનીય વરસાદ પડવાની અપેક્ષા છે. જોકે પાણી ૯૮ ટકાની ઉપર પહોંચી ગયું હોવાથી આગામી વર્ષ સુધી મુંબઈમાં પાણીકાપ મૂકવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.
જળાશયમાં ગયા વર્ષે આ સમયે ૯૮.૭૧ ટકા એટલે કે ૧૪,૨૮,૬૯૭ મિલ્યન લિટર પાણીનો જથ્થો હતો. તો ૨૦૨૩ની સાલમાં ૯૬.૯૮ ટકા એટલે કે ૧૪,૦૩,૬૪૯ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો. મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસાનું આગમન જૂન મહિનામાં થતું હોય છે.
પણ આ વર્ષે મુંબઈમાં મે મહિનામાં જ ચોમાસાની એન્ટ્રી થતા જળાશયો પણ આ વર્ષે જલદી ભરાઈ ગયા હતા. એ બાદ જૂન અને જુલાઈની શરૂઆતમાં ઓછો વરસાદ પડયો હતો પણ જુલાઈ મહિનામાં ચાર-પાંચ દિવસ ધોધમાર વરસાદ પડતા જળાશયોમાં ૭૦ ટકા પાણી જમા થયું હતું.
એ બાદ વરસાદ ફરી ગાયબ થઈ જતા લાંબા સમય સુધી જળાશયનું સ્તર ૮૦ ટકા પર જ સ્થિર રહ્યું હતું ત્યારબાદ ઑગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીનું સ્તર લગભગ ૯૫ ટકાની આસપાસ પહોંચી ગયું હતું.
આ પણ વાંચો…દક્ષિણ મુંબઈમાં આકાશી આફત:૧૨ કલાકમાં લગભગ ૮ ઈંચ વરસાદ…