Good News, મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયો છલોછલ, 100 ટકાથી આટલું રહ્યું અંતર

મુંબઈઃ મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયો અપર વૈતરણા, મધ્ય વૈતરણા, ભાતસા, તાનસા, તુલસી, વિહાર અને મોડક સાગરમાં પાણીનું સ્તર આગામી દિવસોમાં ૧૦૦ ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. આ ચોમાસામાં પૂરતા વરસાદને પગલે આજે વહેલી સવારે સાત જળાશયોમાં પાણીનો જથ્થો ૯૮.૭૧ ટકાની સપાટી પરા કરી છે. ઉનાળા દરમિયાન પાણીના કાપને ટાળવા માટે જળાશયોમાં પાણીનું સ્તર તેની ક્ષમતા સુધી પહોંચે તે ખૂબ જરૂરી હોય છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના અહેવાલ મુજબ સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટોક ૧૪,૨૯,૬૯૭ મિલિયન લિટર છે, જે ગયા વર્ષે આ જ દિવસે ૧૪,૦૩,૬૪૮ મિલિયન લિટર એટલે કે ૯૬.૯૮ ટકા હતો.
આજે સવારના પાલિકાના અહેવાલ મુજબ, અપર વૈતરણામાં લાઇવ સ્ટોરેજ અને ઉપયોગી પાણીની ટકાવારી ૯૮.૫૧ ટકા, મધ્ય વૈતરણામાં ૯૯.૨૦ ટકા, તાનસા ૯૮.૨૯ ટકા અને ભાતસામાં ૯૮.૪૩ ટકા હતી. જ્યારે વિહાર, તુલસી અને મોડક સાગર તેમની ક્ષમતાના ૧૦૦ ટકા સુધી પહોંચી ગયા છે. આ ચોમાસામાં, અત્યાર સુધી તુલસી, તાનસા, વિહાર અને મોડક સાગર ઓવરફ્લો થઈ ગયા છે.
આ પણ વાંચો : ગણપતિ બાપ્પાને વિદાય આપવા મુંબઈ સજ્જ:ગણેશ મૂર્તિના વિસર્જન માટે ૬૯ નૈસર્ગિક અને ૨૦૪ કૃત્રિમ તળાવની સુવિધા
મરાઠવાડાને પણ મોટી રાહત
દુષ્કાળગ્રસ્ત મરાઠવાડાને પણ મોટી રાહત થઇ છે, જયકવાડી ડેમ શનિવાર, ૭ સપ્ટેમ્બરના રોજ ૧૦૦ ટકા જળસ્તર પર પહોંચી ગયો હતો. પૈઠણ, છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં આવેલો આ ડેમ મરાઠવાડા માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
મહારાષ્ટ્ર વોટર રિસોર્સિસ વિભાગના ડેટા અનુસાર ગયા વર્ષે આ જ દિવસે જયકવાડી ડેમમાં માત્ર ૩૨.૬૦ ટકા પાણીનો સંગ્રહ હતો. આ ચોમાસામાં ભારે વરસાદ વચ્ચે, મહારાષ્ટ્રના તમામ ૨,૯૯૭ ડેમ (મોટા અને નાના સહિત) કુલ ૮૩.૧૫ ટકા જળ સ્તરે પહોંચી ગયા છે, જે ગયા વર્ષ કરતાં લગભગ ૨૦ ટકા વધુ છે.