આમચી મુંબઈ

મે-જૂનમાં પાણીનો પ્રોબ્લેમ કદાચ ન થાય! 51% સ્ટોક છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચોમાસાને હજી ચાર મહિનાનો સમય બાકી છે ત્યારે શહેરને પાણી પૂરું પાડનારા સાત જળાશયોમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૫૧ ટકા પાણીનો સ્ટોક છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં પાણીનો જથ્થો વધારે છે, છતાં આગામી દિવસોમાં વધતા તાપમાનને કારણે પાણીનું બાષ્પીભવન વધી શકે છે અને પાણીનાં જથ્થામાં ઘટાડો થઈ શકે છે. હાલમાં જળાશયોમાં જુલાઈ મહિના સુધી ચાલે એટલો પાણીનો જથ્થો જમા છે.

મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે સાતેય જળાશયોમાં પહેલી ઓક્ટોબરના ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે. હાલ સાતેય જળાશયોમાં ૭,૩૯,૮૩૦ મિલ્યન લિટર જેટલું પાણી છે. મુંબઈને પ્રતિદિન ૩,૯૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે.

મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં સોમવારે સવારના ૭,૩૯,૮૩૦ મિલ્યન લિટર એટલે કે ૫૧.૧૨ ટકા પાણીનો સ્ટોક હતો. આ પાણી જુલાઈ સુધી ચાલે એટલું છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૬,૫૩,૦૦૬ મિલ્યન લિટર એટલે કે ૪૫.૧૨ ટકા અને ૨૦૨૩ની સાલમાં ૭,૨૭,૩૩૮ મિલ્યન લિટર એટલે કે ૫૦.૨૫ ટકા જેટલો પાણીનો સ્ટોક હતો. સામાન્ય રીતે મુંબઈમાં ૧૦ જૂન સુધીમાં ચોમાસાનું આગમન થતું હોય છે. એટલે એ હિસાબે પાલિકાના પાણીપુરવઠા વિભાગની ગણતરી મુજબ હાલ જળાશયોમાં જુલાઈ સુધી ચાલે એટલું પાણી છે.

પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જળાશયોમાં ૫૧ ટકા જેટલો પાણીનો સ્ટોક છે અને આગામી ચોમાસું પણ સારું જ રહેશે એવી અપેક્ષા છે. જોકે હજી ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને તાપમાન સતત ઊંચુ નોંધાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઉનાળામાં ગરમીનું પ્રમાણ હજી વધશે અને ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન થવાની શક્યતા વધારે છે. એમાં ઓછું હોય તેમ પાણીની ચોરી અને ગળતરની સમસ્યા તો કાયમની જ છે. તેથી મે મહિનામાં જળાશયોમાં પાણીની સપાટીમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે અને વધુ માત્રામાં પાણીનું સ્તર ઘટ્યું તો જ કદાચિત પાણીકાપ મૂકવો પણ પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button