મુંબઈની આ વડાપાઉંવાળી કેમ ઈન્ટરનેટ પર થઈ રહી છે ફેમસઃ દીકરીની પોસ્ટએ માતાને કરી વાયરલ…

મુંબઈઃ કોઈ શહેરોમાં નાસ્તો વેચનારી તો કોઈ ગામડામાં ચા વેચનારો ક્યારે ઈન્ટરનેટમાં છવાય જાય તે ખબર પડતી નથી. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વિવિધ પ્લેટફોર્મ દરેકને લોકો સુધી પહોંચવાનો મોકો આપે છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ એક દીકરીએ લખી છે પોતાની માતા વિશે.
દીકરીની આ પોસ્ટ માત્ર ભાવનાની દૃષ્ટિએ જ નહીં, પણ બિઝનેસ લેશન તરીકે પણ જોવાઈ રહી છે. ઘણીવાર તમે કામધંધામાં પારંગત ન હોવ, પણ તમારું રિલેશન મેનેજમેન્ટ, વ્યક્તિત્વ અને કોમ્યુનિકેશન્સ સ્કીલ્સ તમને સફળ બનાવી દેતા હોય છે. આ વાયરલ પોસ્ટ આવી જ એક બિઝનેસ વુમન વિશે છે.
ઈશિતા ધાનમહેર નામની એક યુવતીએ તેની માતા વિશે પોસ્ટ લખી છે. લિંક્ડઈન પર લખાયેલી આ પોસ્ટ ખરેખર એક બોધકથા કે મોટિવેશનલ સ્ટોરી જેવી જ છે. (Mumbai Vadapau vender post viral)

ઈશિતાએ લખ્યું છે કે મારી માતા મુંબઈની બીએમસી હૉસ્પિટલ બહાર વડાપાઉં વેચે છે. મારા નાની એ જ હોસ્પિટલમાં કામ કરે છે. મારી માતા માટે આ કામ સહેલું ન હતું. ઘણીવાર તેનો સ્ટોલ તોડી નાખવામાં આવ્યો, વિરોધ થયો, વસ્તુઓ ચોરાઈ ગઈ ,પણ મારી માતા નિરાશ ન થઈ.
11 વર્ષ પહેલા આ કામ શરૂ કર્યું ત્યારે હોસ્પિટલના સ્ટાફે પણ વિરોધ કર્યો. પણ ધીમે ધીમે તેણે લોકોને એ સમજાવ્યું કે તેનાં વડાપાઉં હાઈજેનિક હોય છે, તે દરેક વસ્તુ ઘરે બનાવે છે. ધીમે ધીમે લોકો તેને પસંદ કરવા માંડ્યા. જેમણે એક સમયે તેમને ધક્કા માર્યા હતા, તે હવે તેમાન વડાપાઉં ખાય છે. હોસ્પિટલનો સ્ટાફ તેમને પિકનિકમાં સાથે આવવા ઈનવાઈટ કરે છે.
પાંચ ભાષા જાણે છે આ ઓછું ભણેલી મહિલા
ઈશિતાના જણાવ્યા પ્રમાણે તેની માતા ઓછું ભણેલી છે, પરંતુ તે પાંચ ભાષા બોલી શકે છે. હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિળ અને અંગ્રેજી પણ. તે દરેક સાથે તેની ભાષામાં વાત કરે છે. દરેકને સાંભળે છે. તે કોઈને ડરતી નથી, તે કંઈપણ પૂછવાથી ડરતી નથી, તે દરેક સાથે સમજાવટથી વાત કરે છે. તેણે સંબંધો બાંધ્યા છે, તેણે ભરોસો ઊભો કર્યો છે, આથી તેણે મદદ માટે દોડવું પડતું નથી, મદદ તેની પાસે આવી જાય છે.
જ્યારે પણ હું તેનાં સ્ટોલ પર જાઉં ત્યારે લોકો તેની સાથે એવી રીતે વાત કરતા હોય જાણે કોઈ ખાસ મિત્ર સાથે વાત કરી રહ્યા હોય. તે હંમેશાં હસે છે. દીકરી લખે છે કે હું મારી માતા પાસેથી બે વસ્તુ શિખી છું એક તો કોમ્યુનિકેશન એટલે કે સંવાદ અને બીજું સારા સંબંધો બાંધવા.
દીકરીની આ પોસ્ટ ઘણા નેટિઝન્સને ભાવુક કરી રહી છે તો ઘણા નેટિઝન્સ આને અમૂલ્ય એવા બિઝનેસ લેશન તરીકે જૂએ છે. દરેક વખતે તમારી આવડત કામ આવે તે જરૂરી નથી, ઘણીવાર સારી રજૂઆત અને સારું વર્તન પણ કામ કરી જતું હોય છે.
આ પણ વાંચો…Bigg Boss OTT 3: વડાપાઉં ગર્લે પોતાના બાળપણની વાત કરી તો બધાની આંખમાં આસું આવી ગયા