લોકલ ટ્રેન સેવા કથળતા મુંબઇગરાને મદદે આવી મેટ્રો

મુંબઈ પશ્ચિમ રેલવેમાં ટેકનિકલ ખામીને કારણે સોમવારે સવારથી લોકલ ટ્રેનોની સેવાઓ ખોરવાઈ ગઈ છે. બોરીવલી રેલ્વે સ્ટેશન પર કેબલ તૂટવાને કારણે પશ્ચિમ રેલ્વેનો વાહનવ્યવહાર આશરે અડધો કલાક મોડો ચાલી રહ્યો છે. બોરીવલીથી ચર્ચગેટ તરફ એક્સપ્રેસ લાઇન પર દોડતી ટ્રેનો મોડી ચાલી રહી છે, જેના કારણે કચેરીએ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આવા સમયે લોકોએ મેટ્રો ટ્રેનનો આશરો લીધો હતો. ટ્રેનોમાં અનિયમિતતા વચ્ચે મુસાફરોએ સોમવારે મેટ્રોમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. આને કારણે, મુંબઈની કેટલીક મેટ્રો લાઈન્સ 2A અને 7 સ્ટેશનોમાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. બોરીવલી સ્ટેશન, કુરાર અને રાષ્ટ્રીય ઉદ્યાન મેટ્રો સ્ટેશનો પર ભીડમાં નોંધપાત્ર વધારો થયો હતો.
પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા કથળતા અને મેટ્રો સ્ટેશનો પર લોકોની ભીડ જોતા મેટ્રોપોલિટન કમિશનર ડૉ. સંજય મુખરજી તત્કાળ એક્શનમાં આવ્યા હતા. તેમણે ભીડને દૂર કરવા વધારાની મેટ્રો સેવાઓ ઉમેરવાની સૂચના આપી છે અને જણાવ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વધારાની ટ્રેન સેટ સાથે વધારાની સેવાઓની જોગવાઈ ચાલુ રહેશે.
ડૉ. સંજય મુખરજીએ લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, અમે કટોકટીની પરિસ્થિતિઓ દરમિયાન સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વેસ્ટર્ન રેલવેની પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યા સુધી વધારાની ટ્રેન સેટ સાથે વધારાની સેવાઓની જોગવાઈ ચાલુ રહેશે. વિવિધ મેટ્રો સ્ટેશનો પર ભીડને ધ્યાનમાં રાખીને અમે વધારાની સેવાઓ ચલાવવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે, 21 ટ્રેન સેટ પીક અવર્સ દરમિયાન કામ કરે છે, પરંતુ આજે કુલ 24 ટ્રેન સેટ સેવામાં છે અને જરૂર પડશે તો વધુ મેટ્રો સેવાની જોગવાઇ કરવામાં આવશે.