ઠાકરેની યાદીએ એમવીએમાં ઊભો કર્યો વિવાદઃ કોંગ્રેસી નેતાએ યાદ કરાવ્યો આઘાડી ધર્મ

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથે 17 ઉમેદવારની પહેલી યાદી બહાર પાડી દીધી છે. ઉદ્ધવની સેના, શરદચંદ્રપવારની એનસીપી અને કૉંગ્રેસ આ ત્રણેયની મહારાષ્ટ્રમાં આઘાડી છે ત્યારે સ્વાભાવિકપણે આ યાદી પણ સાગમટી બહાર પાડવાની હોય ત્યારે ઠાકરેએ બહાર પાડેલી યાદએ આંતરિક વિખવાદને જગજાહેર કરી દીધો છે. યાદીમાં સાંગલીની બેઠક પર પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક પર કૉંગ્રેસ પોતાનો દાવો કર રહી છે અને હજુ ચર્ચા ચાલી રહી છે. કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે ઠાકરેને જણાવ્યું છે કે તેમણે આઘાડી ધર્મ પાળવો જોઈએ અને યાદી પાછી ખેંચી લેવી જોઈએ. હજુ ચર્ચા ચાલી રહી છે અને ત્યારે યાદી બહાર પાડવી ન જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું. તો બીજી બાજુ કૉંગ્રેસના નેતા સંજય નિરુપમે આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે વાયવ્ય મુંબઈથી અમોલ કીર્તિકરની ઉમેદવારી સામે વાંધો નોંધાવ્યો છે.
કોરોના દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ખિચડી આપી હતી અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ કથિત ભ્રષ્ટાચારામાં અમોલનું નામ પણ સામેલ છે. આથી નિરૂપમે એમ કહ્યું છે કે ખિચડીના કૌભાંડીયાનો અમે પ્રચાર નહીં કરીએ. આ સાથે દક્ષિણ-મધ્ય મુંબઈથી અનિલ દેસાઈને આપવામાં આવેલી ઉમેદવારી પણ બન્ને પક્ષ માટે વિખવાદનું કારણ બની રહી છે. મહાઆઘાડીમાં મતભેદ છે અને તે માત્ર એક યાદી બહાર પાડવાથી આટલી હદે બહાર આવ્યા છે. મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠક છે ત્યારે ત્રણ પક્ષમાં આ અંગે કેટલી હદે મતભેદ હશે તે સમજી શકાય છે. જોકે બીજી બાજુ ભાજપ સાથે જોડાયેલા બન્ને પક્ષ શિંદે સેના અને અજીત પવારની એનસીપી પણ બેઠક વહેંચણી મુદ્દે તાલમેલ સાધી શકી નથી. આ જોતા મહારાષ્ટ્રનું રાજકારણ રોજ વધારે ને વધારે ગરમી પકડશે તે વાત નક્કી છે.