મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસઃ ફડણવીસે કહ્યું હાઈ કોર્ટના ચુકાદોને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું

મુંબઈઃ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં 12 આરોપીને નિર્દોષ જાહેર કરવાના મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા અંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું કે હાઈ કોર્ટે આપેલો ચુકાદો આઘાતજનક છે. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.
2006ના બોમ્બ વિસ્ફોટના કેસને લઈ ફડણવીસે જણાવ્યું કે અમારા માટે આ ચુકાદો ચોંકાવનારો છે. નીચલી કોર્ટે એટીએસની તપાસના આધારે અને એકત્ર કરવામાં આવેલા પુરાવાના આધારે ચુકાદો આપ્યો હતો. હજુ સુધી પૂરો ચુકાદો વાંચ્યો નથી, પરંતુ આ કેસ અંગે વકીલ સાથે વાતચીત કરી છે અને આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. આ ચુકાદા અંગે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે મુંબઈના બોમ્બ વિસ્ફોટના હાઈ કોર્ટના ચુકાદામાં 12 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, પરંતુ આ કેસ અંગે સમીક્ષા કરાશે.
આ પણ વાંચો: મુંબઈ લોકલ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ મામલે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો; 11 આરોપીઓ નિર્દોષ જાહેર
સેશન્સ કોર્ટમાં રજૂ કરાયેલ પુરાવા હાઈ કોર્ટમાં ટકતા નથી, તો કોનો વાંક?: નિકમ
વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે મુંબઈના એક મહત્વપૂર્ણ કેસમાં આવેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મુંબઈ સેશન્સ કોર્ટે જે પુરાવાઓના આધારે આરોપીઓને સજા ફટકારી હતી તે હાઈકોર્ટમાં ટક્યા નથી, જે એક ગંભીર બાબત છે. કાયદાનું વિશ્લેષણ કરવામાં ભૂલ થઈ હતી કે તપાસ એજન્સીએ ખોટા પુરાવા એકત્રિત કર્યા હતા તે અંગે ચર્ચા થશે.
જોકે, નિકમે સ્પષ્ટતા કરી હતી કે આજે આરોપીને નિર્દોષ જાહેર કરવો એ એક ગંભીર બાબત છે. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે સરકાર આ કેસમાં તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે. સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ વચ્ચેનો આ તફાવત અને પુરાવાઓની સ્થિતિ આ કેસમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. સરકાર આ ચુકાદાનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી આગળના કાનૂની પગલાં લેશે.
આ પણ વાંચો: 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર અબુ સાલેમને દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો
દરમિયાન ૧૯ વર્ષના વહાણાં વીતી જવા છતાં મુંબઈમાં ૭/૧૧ ના ટ્રેન બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલી શક્યું નથી. ખાસ કરીને એ પીડિતો જેઓ એ જ ટ્રેનમાં હતા અને બચી ગયા હતા. હવે ૧૯ વર્ષ પછી બોમ્બે હાઈ કોર્ટ દ્વારા ૧૨ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ વિરારના રહેવાસીઓ આઘાતમાં મુકાઈ ગયા છે, જેના કારણે તેમણે આ ચુકાદાને પીડિતોના ઘા પર મીઠું ભભરાવવા જેવો ગણાવ્યો હતો.
૭/૧૧ લોકલ ટ્રેન બોમ્બ વિસ્ફોટમાં શારીરિક અને ભાવનાત્મક ઘા સાથે જીવતા ગાર્ડન કોન્ટ્રાક્ટર હરીશ પોવાર કેસ બંધ થવાની રાહ જોતા હતા. જોકે, ૪૪ વર્ષના પોવારને ૧૧ જુલાઈ, ૨૦૦૬ની તારીખ બરાબર યાદ છે, જ્યારે વિરાર જતી લોકલ ટ્રેનના ફર્સ્ટ-ક્લાસ કોચમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં તેઓ ઘાયલ થયા હતા. લગભગ બે દાયકા પછી પણ મારી આંખો સામે વિસ્ફોટનું દ્રશ્ય તરવરતું રહે છે. મને યાદ છે કે ડબ્બાની અંદર દીવાલો પર લોહીના છાંટા પડ્યા હતા. કેટલાક લોકો પીડાથી કણસતા હતા, જ્યારે કેટલાક મૃત્યુ માપ્યા હતા, એમ પોવારે જણાવ્યું હતું.
પરિવારનું ભરણપોષણ કરવા ઘરની બહાર નીકળવું એ ગુનો?
અહીં સાત ટ્રેન વિસ્ફોટોમાં ૧૮૦થી વધુ લોકોના મોત થયાના ઓગણીસ વર્ષ પછી, બોમ્બે હાઈકોર્ટે સોમવારે તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, અને કહ્યું કે ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં “સંપૂર્ણપણે નિષ્ફળ” ગયો અને “એ માનવું મુશ્કેલ હતું કે આરોપીએ ગુનો કર્યો છે.” ચુકાદાથી નિરાશ થઈને, પોવારે કટાક્ષમાં કહ્યું, “જો આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે, તો આપણા પરિવારનું ભરણપોષણ કરવા માટે આપણા ઘરની બહાર નીકળવું એ ગુનો છે અને આપણે ગુનેગાર છીએ”.