મુંબઈમાં ટ્રાફિક વિભાગનો સપાટોઃ 13 મહિનામાં 526 કરોડ રુપિયાનો દંડ વસૂલ્યો, પણ…

મુંબઈઃ મુંબઈમાં વધતા અકસ્માતો માટે એક કરતા અનેક પરિબળો જવાબદાર છે, પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે એ વાતને નકારી શકાય નહીં. મુંબઈ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ ચાલકો સુધરવાનું નામ નથી લેતા અને દંડ ભરવામાં ઠાગાઠૈયા કરે છે. છેલ્લા 13 મહિનામાં (1 જાન્યુઆરી, 2024થી 5 ફેબ્રુઆરી, 2025) મુંબઈ ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 65,12,846 ડ્રાઇવર સામે પગલાં લેવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં 526 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી માત્ર 157 કરોડ રૂપિયા જ વસૂલવામાં આવ્યા છે. 369 કરોડ હજુ બાકી છે. આ માહિતી આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ માહિતી અધિકાર હેઠળ મેળવી છે.

26 પ્રકારના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાર્યવાહી
ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 41 ટ્રાફિક અને 1 મલ્ટિમીડિયા વિભાગ હેઠળ 26 પ્રકારના ટ્રાફિક નિયમોના ભંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, અત્યાર સુધીમાં માત્ર 20,99,396 ડ્રાઇવરોએ દંડ ભર્યો છે, જ્યારે 44,13,450 ડ્રાઇવરે હજુ સુધી દંડ ભર્યો નથી.
આ પણ વાંચો : ‘અમે કામરાની ધોલાઈ કરીશું’ શિવસેનાના કાર્યકરોએ હોટેલ તોડફોડ કર્યા બાદ સંજય નિરૂપમની ધમકી…
સૌથી વધુ મરીન ડ્રાઈવ વિસ્તારમાં કાર્યવાહી
ફ્લિકર અને એમ્બર લાઇટનો દુરુપયોગ કરનારા 47 ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 23,500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાંથી માત્ર 7 વાહનચાલકોએ રૂ. 3,500નો દંડ ભર્યો હતો. સૌથી વધુ મરીન ડ્રાઈવ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં 32 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર 2 વાહન ચાલકોએ 1000 રૂપિયાનો દંડ ભર્યો હતો.
વિશેષ ઝુબેશ ચલાવવાની આવશ્યક્તા
એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ જણાવ્યું હતું કે, “ટ્રાફિક પોલીસે સંતોષકારક કાર્યવાહી કરી છે, પરંતુ અધિકારીઓ અને સ્ટાફની અછતને કારણે દંડની વસૂલાત અસરકારક રીતે થઈ નથી. જે વાહન ચાલકોએ હજુ સુધી દંડ ભર્યો નથી તેમની સામે વિશેષ ઝુંબેશ ચલાવવાની જરૂર છે. તેમને દંડની વસૂલાત માટે ડિજિટલ નોટિસ મોકલવી જોઈએ અને મોટા ડિફોલ્ટર વાહન માલિકોના વાહનો જપ્ત કરવા જોઈએ.