આગામી બે મહિનામાં મુંબઈ ચકાચક થઈ જશે: સુધરાઈનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી બે મહિનાની અંદર મુંબઈ સ્વચ્છ અને સુંદર બનાવી દેવાનો મનસૂબો મુંબઈ મહાનગરપાલિકાએ રાખ્યો છે. તે માટે દરેક વિસ્તારમાં ઘર-ઘરથી કચરો જમા કરવાનું, ગલીઓ, નાળાઓ, રસ્તાઓ તથા શૌચાલય સાફ કરવાનું કામ અલગ-અલગ કૉન્ટ્રેક્ટરને બદલે હવે એક જ કૉન્ટ્રેક્ટરને આપવાનો પાલિકા પ્રશાસને નિર્ણય લીધો છે. તે માટે આગામી દિવસમાં વર્ક ઓર્ડર બહાર પાડીને તુરંત આ કામ ચાલુ કરવામાં આવશે, એવું પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાનના આદેશ બાદ મુંબઈ મહાનગપાલિકા દ્વારા મુંબઈ ‘ડીપ ક્લીનેસ’ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે, જે હેઠળ મુંબઈના દરેક ઝોનમાં આવેલા વિસ્તારોમાં રસ્તાની સફાઈ, તેને ધોવાનું, ધૂળ સાફ કરવા જેવા કામ કરવામાં આવી રહ્યા છે. તો વર્ષોથી મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં ઘર-ઘરમાંથી કચરો વીણવા, નાળા અને ગટરો સાફ કરવા જેવા કામ માટે કૉન્ટ્રેક્ટરને કામ સોંપવામાં આવી રહ્યું છે. જોેકે મોટાભાગના કામ કૉન્ટ્રેક્ટરો દ્વારા કામ બરોબર કરવામાં આવતું નથી એવી ફરિયાદ રહી હોવાનો દાવો એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ કર્યો હતો.
શિંદેએ વધુમાં કહ્યું હતું કે કૉન્ટ્રેક્ટરો સામે આવતી ફરિયાદ બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં આવેલા દરેક ઘરમાંથી કચરો જમા કરવાનું, ગલીઓ, નાળા, રસ્તા અને શૌચાલયો સાફ કરવાનું કામ અલગ અલગ કૉન્ટ્રેક્ટરને બદલે એક જ કૉન્ટ્રેક્ટરને સોંપવામાં આવશે. આગામી દિવસમાં વર્ક ઓર્ડર બહાર પાડ્યા બાદ તુરંત કૉન્ટ્રેક્ટરને કામ સોંપવામાં આવશે અને આગામી બે મહિનામાં ગલી, શૌચાલયો વગેરે સાફ દેખાશે.