ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદની ટ્રેનો રદ, અનેક ટ્રેન રિશેડયૂલ
મુંબઈઃ ગુજરાતમાં નિરંતર પડી રહેલા ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચેની ટ્રેનસેવા પર અસર પડી હતી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોજિંદા જીવન, વાહનવ્યવહાર અને ખાસ કરીને પશ્ચિમ રેલવેને ભારે અસર થઈ છે. આજે પણ મુશળધાર વરસાદને પગલે રાજ્યના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે રેલવે સત્તાવાળાઓને ઘણી ટ્રેનોને રદ કરવા અને ડાઈવર્ટ કરવાની ફરજ પડી છે.
સતત વરસાદને કારણે મુંબઈથી અમદાવાદના રેલ કોરિડોરમાં વિવિધ રેલવે સ્ટેશનો પર પાણીનો ભરાવો થયો છે, જેથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે અને મેલ-એક્સપ્રેસની ટ્રેન સેવાઓમાં મોટા પ્રમાણમાં અવરોધો ઊભા થયા છે.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારો ગંભીર પૂરનો સામનો કરી રહ્યા છે, ઘણી જગ્યાએ ઘૂંટણ સુધીના પાણી છે. પાણી ભરાઈ ગયેલી શેરીઓએ રહેવાસીઓના રોજિંદા જીવનમાં અવરોધ ઊભો કર્યો છે.
આ પણ વાંચો: Maharashtra રાજસ્થાન સહિત દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…
એટલું જ નહીં પણ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા ઊભી કરી છે, જેના કારણે લોકો માટે આવન-જાવન અથવા તેમની નિયમિત પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની છે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને ઘણી ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. ખાસ કરીને, વડોદરા ડિવિઝનના બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે આજે દુરંતો, હમસફર, સયાજીનગરી સહિત ઈન્ટરસિટી ટ્રેનને રદ કરવામાં આવી હતી, જ્યારે અમુક ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવતા પ્રવાસીઓ માટે ટ્રાવેલ કરવાનું હાલાકીભર્યું રહ્યું હતું.
લાંબા અંતરની મુંબઈથી ગુજરાતની રદ કરેલી ટ્રેનમાં હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ (૧૨૨૬૮), જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ (૨૨૯૨૪), દાદર – ભુજ સયાજીનગરી એક્સપ્રેસ (૨૦૯૦૭), વડનગર – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ (૨૦૯૬૦), બાંદ્રા ટર્મિનસ – ભુજ કચ્છ એક્સપ્રેસ (૨૨૯૫૫), બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ અવંતિકા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, દાદર-ભગત કી કોઠી, દાદર-બિકાનેર, બાંદ્રા ટર્મિનસ-બિકાનેર, બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલ્લા ગરીબ રથ વગેરે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.