મુંબઈ-થાણેમાં બે દિવસ યલો અલર્ટ અને આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સવારના ઉપનગરમાં અનેક વિસ્તારમાં વરસાદના હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યાં હતા. વરસાદને પગલે છેલ્લા થોડા દિવસથી પડી રહેલી ગરમી અને ઉકળાટમાં થોડી રાહત જણાઈ હતી.
શનિવારના સવારના વરસાદના હળવાથી મધ્યમ સ્વરૂપના ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં વરસાદની ગતિવિધી વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં મુંબઈ અને પડોશી જિલ્લા થાણે માટે રવિવાર અને સોમવાર માટે યલો અલર્ટની ચેતવણી આપવામાં આવી છે. આ દરમ્યાન રાયગઢ જિલ્લા માટે આગામી બે દિવસ એટલે મંગળવાર સુધી ઓરેન્જ અલર્ટની ચેતવણી આપી છે. જોકે વરસાદની તીવ્રતા ઓછી રહેવાની શક્યતા છે.
હવામાનના નિષ્ણાતના કહેવા મુજબ ૧૩ સપ્ટેમ્બરથી મુંબઈ સહિત રાજ્યમાં વરસાદનું જોર રહેવાની અગાઉ શક્યતા જણાતી હતી પણ હવે રવિવાર અને સોમવાર વચ્ચે વરસાદની ગતિવિધિ જોવા મળશે. જોકે વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશરની સિસ્ટમ છત્તીસગઢને પાર કરી રહી છે, જે આ પ્રદેશમાંં પહોંચતા વરસાદ લાવશે એવી અપેક્ષા હતા. જોકે આ સિસ્ટમ અહીં હાજર હોવા છતાં તે અપેક્ષા મુજબ મજબૂત બની નથી. વધુમાં ઉત્તરથી એક ટ્રફ અહીં આવીને લો-પ્રેશર સાથે ભળી જવાની અપેક્ષા હતી. જોકે આ ટ્રફ હજી સુધી અહીં પહોંચી શક્યો નથી અને તેને કારણે ઓછા વરસાદની શક્યતા છે.