થાણે અને પાલઘરને વરસાદેે ઘમરોળી નાખ્યું: એકનું મોત, વીજળી પડવાથી છ જખમી, પાલઘરમાં આવેલા ડેમ છલકાઈ ગયા...
Top Newsઆમચી મુંબઈ

થાણે અને પાલઘરને વરસાદેે ઘમરોળી નાખ્યું: એકનું મોત, વીજળી પડવાથી છ જખમી, પાલઘરમાં આવેલા ડેમ છલકાઈ ગયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: મુંબઈને અડીને આવેલા થાણે અને પાલઘર જિલ્લામાં રવિવારે થયેલા મુશળધાર વરસાદને પગલે ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાની સાથે જ ઝાડ અને દીવાલ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા. ભારે વરસાદને પગલે જિલ્લામાં બંધ પણ છલકાઈ ગયા હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. તો પાલઘર જિલ્લામાં વીજળી પડવાથી છ લોકો જખમી થયા હતા.

હવામાન વિભાગે થાણે અને પાલઘર જિલ્લા માટે રવિવારના રેડ એલર્ટની ચેતવણી આપી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. તે મુજબ આખો દિવસ વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે સોમવારે માટે ઓરેન્જ અલર્ટ આપીને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

થાણે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે જિલ્લાના બદલાપુરમાં આવેલી ઉલ્હાસ નદીમાં તરવા માટે બે યુવકો ગયા હતા, જેમાંથી એક ભારે વરસાદને પગલે નદીમાં તણાઈ ગયો હતો. ફાયરબ્રિગેડને આ બનાવની લગભગ છ કલાક બાદ જાણ થઈ હતી. આ દરમ્યાન ડૂબી ગયેલો યુવક પાણીમાં દૂર સુધી તણાઈ ગયો હતો. છતાં તેને શોધવાની જહેમત ચાલુ રાખવામાં આવી હતી.

આ દરમ્યાન થાણેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૦૦ મિલીમીટર કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. રેડ અલર્ટની ચેતવણી હોવાથી થાણે સહિત પાલઘર જિલ્લામાં પ્રશાસન સતર્ક રહ્યું હતું. તેમ જ નાગરિકોને આવશ્યકતા ન હોય તો ઘરમાં જ રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી.

થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે શનિવારથી ચાલુ થયેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. ભારે પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા. રવિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં થાણે શહેરમાં ૧૧૫.૭૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે ૨૭ સપ્ટેમ્બરના રાતથી જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે જ જોશભેર વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં આવેલો મહત્ત્વનો મોડક સાગર બંધ છલકાઈ ગયો છે અને તેમાંથી ૬૨,૨૬૭ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

તાનસામાં ૨૨,૧૦૫ ક્યુસેક અને સૂર્યામાંથી ૧૦,૬૨૯ ક્યુસેક, મિડલ વૈતરણામાંથી ૨૮,૪૨૮ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થાય નહીં તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

વિક્રમગઢ તાલુકામાં પણ ભારે વરસાદ અને પવન ફૂંકાવાને કારણે ઝાડ તૂટી પડવાના તથા પાણી ભરાઈ જવાના બનાવ નોંધાયા હતા. તાલુકાના ખારશેત ગામમાં વીજળી એક ઘર પર પડવાથી બે પરિવારના પાંચ સભ્યો જખમી થયા હતા. જખમીઓમાં વિલાસ સુકરે ધાનવા, વૈશાલી વિલાસ ધાનવા, પ્રતીક વિલાસ ધાનવા, સોનમ પ્રકાશ ધાનવા અને ભારતી ભરત સાબલાનો સમાવેશ થાય છે.

તેમને તરત નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જવાહર તાલુકાના ધાદરી ગામમાં એક ઘર પર વીજળી પડવાથી એક વ્યક્તિ જખમી થયો હતો. નીચાણવાળા વિસ્તાર ગણાતા વસઈ તાલુકામાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. તલાસરી તાલુકામાં પણ ભારે વરસાદને પગલે ઝાડ તૂટી પડવાના બનાવ બન્યા હતા. દહાણુ તાલુકામાં પણ ભારે વરસાદને પગલે ઝાડ અને ઘર તૂટી પડવાના બનાવ નોંધાયા હતા.

આ પણ વાંચો…થાણેમાં સુરક્ષા ભીંત તૂટી પડી

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button