વીકએન્ડમાં મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની શક્યતા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ, થાણે અને પાલઘરમાં વીકએન્ડમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. શુક્રવારે હવામાન વિભાગે મુંબઈ માટે બે દિવસ ઓરેન્જ અલર્ટની ચેતવણી આપી હતી. તો થાણે અને પાલઘર માટે મંગળવાર ૧૯ ઑગસ્ટ સુધી ઓરેન્જ અલર્ટ રહેશે. રાયગઢ જિલ્લામાં શનિવારે રેડ અલર્ટ રહેશે.
ઑગસ્ટ મહિનાનું પહેલું પખવાડિયામાં લગભગ નહીંવત વરસાદ રહ્યો હતો. વરસાદની ખાધ વચ્ચે બુધવારથી શહેરમાં ચોમાસું ફરી સક્રિય થઈને વરસાદ શરૂ થયો છે. ગુરુવારથી શુક્રવાર સવાર સુધીમાં કોલાબામાં ૪૫ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૧૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ જોકે વીકએન્ડમાં વરસાદ વધુ જોર પકડશે. તેથી જ શનિવાર અને રવિવાર માટે મુંબઈમાં ઓરેન્જ અલર્ટ રહેશે અને થાણે તથા પાલઘરમાં મંગળવાર સુધી ઓરેન્જ અલર્ટ રહેશે. સોમવારથી મુંબઈમાં વરસાદનું જોર ફરી ઘટશે.
હવામાન વિભાગના અધિકારી શુભાંગુ ભૂતેએ જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હાલ વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશરને કારણે બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી પૂર્વ-પશ્ચિમ શીયર ઝોન એવો એક ટ્રફ સર્જાયો છે. આ સિસ્ટમની અસર કોંકણ રિજન અનુભવશે.