સીએસએમટીથી થાણે વચ્ચે દોડશે મેટ્રો, જાણો ક્યારથી થશે શરૂઆત, શું છે સરકારની યોજના

મુંબઈ: મુંબઈ મેટ્રો પોલિટન રિજનમાં મેટ્રોના નેટવર્કમાં વધારો થઈ રહ્યો છે, જેનું કામ પણ ઝડપથી પાર પાડવામાં આવી રહ્યું છે. લોકલ ટ્રેન પરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રશાસન એક્ટિવ મોડમાં આવી ગયું છે ત્યારે આગામી વર્ષોમાં મુંબઈથી થાણે વચ્ચે પણ મેટ્રો દોડાવવાની યોજના છે, જે અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
થાણેમાં મેટ્રો-4 કોરિડોરના 4.4 કિમીના કોરિડોરમાં ટ્રાયલ રનના લોન્ચિંગ દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે CSMT અને થાણે વચ્ચે 2026માં મેટ્રો સેવાઓ શરૂ થશે.
આ પણ વાંચો : આવતીકાલે થાણેમાં મેટ્રોની ટ્રાયલ રનઃ શિંદે જૂથ શક્તિપ્રદર્શન કરે તો ફડણવીસ સરપ્રાઈઝ આપે નવાઈ નહીં
મુખ્ય પ્રધાનના જણાવ્યા અનુસાર મેટ્રો-4 કોરિડોર અને તેને જોડતા 58 કિમીના રૂટ પર મેટ્રો સેવાઓ 2026ના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં શરૂ થશે. તેમાં વડાલા, ઘાટકોપર, કાસરવડાવલી, ગાયમુખ વચ્ચે બનાવવામાં આવી રહેલી મેટ્રો 4, મેટ્રો-4A અને વડાલા અને CSMT વચ્ચેની મેટ્રો લાઇન અગિયારનો સમાવેશ થાય છે. દેશની સૌથી લાંબી 58 કિમી લાંબી આ મેટ્રો લાઇન મુંબઈ શહેર, ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરોને જોડવામાં આવશે.
35 કિલોમીટર લાંબો મેટ્રો-4 કોરિડોર કાર્યરત થયા પછી દરરોજ 13.42 લાખ મુસાફરો મુસાફરી કરે એવી અપેક્ષા છે, જ્યારે સીએસએમટી કનેક્શન મેટ્રોમાં 21 લાખ લોકો મુસાફરી કરશે. મોગરપાડામાં મેટ્રો કારશેડ માટે 45 એકર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પણ વાંચો : મુંબઈ મેટ્રો લાઈન- ટુબીમાં ફેઝ વન બહુ જલદી ખુલ્લો મુકાશે
ટ્રાયલ રન દરમિયાન શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર અઢી વર્ષ સુધી મેટ્રો પ્રોજેક્ટને અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. શિંદેએ આરોપ લગાવ્યો હતો કે પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે થાણેને મેટ્રો પ્રોજેક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું.
2014માં મુખ્ય પ્રધાન બન્યા પછી ફડણવીસે મેટ્રો 4 ને મંજૂરી આપી હતી. મુંબઈમાં પહેલી લોકલ ટ્રેન 1853માં થાણે અને મુંબઈ વચ્ચે દોડી હતી, અને હવે, 172 વર્ષ પછી, થાણેમાં મેટ્રો દોડી રહી છે.
પ્રથમ તબક્કાના સમગ્ર 10 કિમીના રૂટ પર જરૂરી વ્યવસ્થાના અભાવે, સોમવારે ગાયમુખથી વિજય ગાર્ડન સુધીના ટ્રાયલ રન શરૂ થઇ હતી. આગામી દોઢથી બે મહિનામાં સમગ્ર 10 કિમીના રૂટ પર ટ્રાયલ રન શરૂ થવાની ધારણા છે.