35.7 ડિગ્રી સેલ્સિયસઃ મુંબઈમાં છેલ્લા 7 વર્ષમાં જાન્યુઆરીનો સૌથી ગરમ દિવસ નોંધાયો
મુંબઇઃ શુક્રવારે મુંબઇમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા મુંબઇગરાઓને છેલ્લા સાત વર્ષમાં સૌથી ગરમ જાન્યુઆરીનો દિવસ અનુભવવાનો વારો આવ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) પાસેથી મેળવેલા ડેટા અનુસાર, 2017 પછી નોંધાયેલ આ સૌથી ગરમ જાન્યુઆરીનું તાપમાન છે, જ્યારે ઉપનગરીય સાંતાક્રુઝ વેધશાળામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું હતું. ભેજવાળા દક્ષિણ પૂર્વીય પવનોના પ્રવાહને કારણે મુંબઇમાં તાપમાન વધારે હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. જોકે, વેધશાળાએ જણાવ્યું છે કે આગામી બે ત્રણ દિવસમાં મુંબઇના તાપમાનમાં થોડો ઘટાડો થશે.
ભારતીય હવામાન વિભાગ પાસેથી મેળવેલ ડેટા દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી ગરમ દિવસ 2006માં જોવા મળ્યો હતો જ્યારે પારો 37.3 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શ્યો હતો. સામાન્ય રીતે, શિયાળા દરમિયાન ઉત્તર તરફથી ઠંડા પવનો આવતા હોય છે, પણ ઉત્તરમાં હજી સુધી હિમવર્ષા જોવા મળી નથી. આ વર્ષે અત્યાર સુધીમાં કાશ્મીરમાં પણ સામાન્ય કરતા 80 ટકા ઓછો બરફ પડ્યો છે. જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં પણ આ વર્ષે હજી સુધી ખાસ બરફ જોવા નથી મળતો. તો દેશના અન્ય હિલ સ્ટેશન સિમલાના પણ આવા જ હાલ છે. ત્યાં પણ ખાસ બરફ નથી પડ્યો અને મુખ્ય આક્રષણ ગણાતી સ્કેટિંગ રિંગ જોવા અને માણવા આવનારા લોકોમાં ભારે ઘટાડો થયો છે. આના કારણે તેમજ ભેજવાળા પવનોની હાજરીને કારણે છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને મુંબઇના નાગરિકો ઉનાળા જેવી સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે.