Mumbaiમાં સ્કૂલો શરુ થયા પછી પણ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત, જાણો કેમ?
મુંબઈ: શાળાઓ ફરી શરૂ થયાના બે અઠવાડિયા પછી પણ નાગરિક અનુદાન સંચાલિત શાળાઓ અને રાજ્ય બોર્ડની ખાનગી અનુદાન મેળવતી શાળાઓના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠયપુસ્તકો મળ્યા નથી કારણ કે બુકસ્ટોર્સમાં ધોરણ 2થી ધોરણ 8ના પાઠ્યપુસ્તકોની અછત છે.
સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો પૂરા પાડવાની જવાબદારી રાજ્યની છે. આ વર્ષે રાજ્ય સરકારની સહાયથી તેમજ પાલિકાની સહાયથી ચાલતી ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ 20% ઓછો સ્ટોક મળ્યો હતો.
ભાયખલા સ્થિત સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે ‘અમારી પાસે ધોરણ 2થી ધોરણ 8માં કુલ 740 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ માત્ર 630 વિદ્યાર્થીઓ માટે જ પાઠ્યપુસ્તકો મળ્યાં છે. વિભાગ પાઠયપુસ્તકોનું વિતરણ કેવી રીતે કરે છે એ સમજાતું નથી.
દરેક વર્ગના વિવિધ માધ્યમોમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે એની સંખ્યા સરકાર પાસે હોવા છતાં કેમ નિર્ધારિત પાઠયપુસ્તકો નથી મોકલવામાં આવતા.’
૧૫ જૂને શાળાઓ ફરી શરૂ થતાં માતા પિતા તેમના બાળકોના અભ્યાસ અંગે ચિંતિત છે. વાંદરાની એક ખાનગી અને અનુદાન નહીં મેળવતી શાળાના વિદ્યાર્થીના પિતા શ્રવણ કોટિયને જણાવ્યું હતું કે ‘આ વર્ષે અનુદાન નહીં મેળવતી ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ નથી. બુકસ્ટોર સાથે ૧૩ જૂને બુકિંગ થયા પછી મને ગયા શુક્રવારે પુસ્તકો મળી ગયા હતા. પહેલી વાર પુસ્તકો મેળવવા અમે મુશ્કેલી અનુભવી રહ્યા છીએ.’
આ પણ વાંચો: સ્કૂલોને લીધે બાળકોનો મોબાઈલ પરનો સ્ક્રીન ટાઈમ ઘટવાને બદલે વધ્યો
આ મુદ્દાને ધ્યાનમાં રાખીને યુવા સેના (યુબીટી)ના સભ્ય અને મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સેનેટ સભ્ય પ્રદીપ સાવંતે મહારાષ્ટ્ર પ્રાથમિક શિક્ષણ પરિષદના ડિરેક્ટર પ્રદીપ કુમાર ડાંગેને પત્ર લખ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ‘મેં પાઠયપુસ્તકની અછતના મુદ્દા પર એક પત્ર લખ્યો હતો અને સરકારને આ સમસ્યા તાત્કાલિક હલ કરવા જણાવ્યું હતું. જો સરકાર એક અઠવાડિયામાં પાઠયપુસ્તકો આપવામાં નિષ્ફળ જશે, તો અમે રાજ્યભરમાં તીવ્ર આંદોલન શરૂ કરીશું.’
આ દરમિયાન શિક્ષણ પરિષદના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ વર્ષે પહેલી વખત અમે પાઠ્યપુસ્તકોની અછતનો સામનો કર્યો છે. જો કે, અમે આ બાબતને ધ્યાનમાં લઈ રહ્યા છીએ અને એક અઠવાડિયાની અંદર પુસ્તકો પહોંચાડી દેવાનો અમારો નિર્ધાર છે.’