આમચી મુંબઈટોપ ન્યૂઝ

એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચાર તેના વારસાને ડિજિટાઇઝ કરશે…

મુંબઈ: એશિયાના સૌથી જૂનું સક્રિય અખબાર મુંબઈ સમાચાર તેના વારસાને ડિજિટાઇઝ કરવા તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈ સમાચારે વર્ષ 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના મૃત્યુ અને કોંગ્રેસના ઉદય પર અહેવાલો પ્રકાશિત કર્યા હતા. ત્યારે હવે મુંબઈ સમાચાર તેના સમૃદ્ધ વારસાને ડિજિટાઇઝ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ વારસો માત્ર મુંબઈ સમાચારનો નથી, પરંતુ દેશ આખાનો છે કારણ કે 1857ના વિપ્લવથી માંડી અંગ્રેજો સામેની લડાઈ, દેશના પ્રથમ વડા પ્રધાનની શપથવિધિથી માંડી આજ દિવસ સુધીના સમાચારોનો આ એક અદભૂત ખજાનો હશે, જે દેશના દરેક નાગરિક માટે અભ્યાસ અને માહિતીનો સ્ત્રોત બની શકે તેમ છે.

આ વર્ષો દરમ્યાન અનેક પડકારોનો સામનો કર્યો
મુંબઈ સમાચાર અખબારની સ્થાપના વર્ષ 1822માં પારસી વિદ્વાન ફરદુનજી મર્ઝબાન દ્વારા કરવામાં આવી છે. અખબારના મેનેજમેન્ટે ગુજરાતી દૈનિકના સમૃદ્ધ વારસાને ડિજિટાઇઝ કરવા માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 203 વર્ષ જુના મુંબઈ સમાચાર આ વર્ષો દરમ્યાન અનેક પડકારોનો સામનો કર્યો છે. જેમાં ખાસ કરીને ઇન્ટરનેટ, ન્યૂઝ એપ્સ અને સોશિયલ મીડિયા વિસ્તરણ બાદ સબ્સ્ક્રિપ્શન અને વાચકોમાં ઘટાડો પણ શામેલ છે. પરંતુ અખબાર ક્ષેત્રે તેની અવિરત સફર ચાલુ રાખી છે.

200 વર્ષમાં પ્રકાશિત થયેલી 10,000થી વધુ સ્ટોરીઓનો સમાવેશ થશે
મુંબઈ સમાચારના સમૃદ્ધ વારસા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંગે જણાવતા મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવેએ જણાવ્યું હતું કે, અમે અમારા જુના અખબારોને આર્કાઇવ્સમાં મુકવામાં માટે અનેક એજન્સી સાથે વાતચીત કરી રહ્યા છે. આ એક રાષ્ટ્રીય વારસો છે. તેમજ અમે એક વેબસાઈટ પર બનાવીશું જેમાં છેલ્લા 200 વર્ષમાં પ્રકાશિત થયેલી 10,000થી વધુ સ્ટોરીઓનો સમાવેશ થશે.

ટૂંક સમયમાં મરાઠી અને હિન્દી વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું કે અમારી પાસે વર્ષ 1932 થી 1947 સુધીના અખબારની નકલો છે. વર્ષ 1857થી પણ અમુક નકલો છે. પરંતુ તે સારી સ્થિતિમાં ન હોવાથી તે ખોલી શકાય તેમ નથી. આ ઉપરાંત હાલ અમારી ગુજરાતી વેબસાઈટ લાખો વાચકો સુધી પહોંચી રહી છે. અમે તાજેતરમાં અંગ્રેજી ભાષામાં પણ વેબસાઈટ શરુ કરી છે. તેમજ
ટૂંક સમયમાં મરાઠી અને હિન્દી વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવશે.

ડોક્યુમેન્ટરીનું ટ્રેલર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’ ડોક્યુમેન્ટરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવશે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 15 થી 20 મે દરમિયાન યોજાનારા છે. ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’ ડોક્યુમેન્ટરીનું ટ્રેલર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું હતું. જ્યારે આ ડોક્યુમેન્ટરીનું મુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

‘શ્રી મુંબઈ ના સમાચાર’ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું
આ અખબાર પારસી વિદ્વાન ફરદુનજી મર્ઝબાન દ્વારા ‘શ્રી મુંબઈ ના સમાચાર’ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. આ અખબાર બોમ્બે બંદર પર જહાજો પર આવતા માલ વિશે મહદઅંશે પારસી અને મારવાડી વેપારીઓને વિગતો આપવા માટે માહિતીના સ્ત્રોત તરીકે સેવા આપતું હતું. અખબારના સ્થાપક ફરદુનજી મર્ઝબાન સુરતના વતની હતા અને પ્રિન્ટિંગ વ્યવસાયમાં રસ ધરાવતા હતા. જ્યારે તે મુંબઈ આવ્યા ત્યારે તેમણે બુક-બાઇન્ડિંગની દુકાન શરૂ કરી હતી.

સામાજિક સેવા તરીકે મફતમાં મૃત્યુ નોંધ પ્રકાશિત કરવામાં આવી હતી
તેમને શરુઆતમાં 150 સબ્સ્ક્રાઇબર્સ મળ્યા હતા તેમને 2 રૂપિયા પ્રતિ માસના ભાવે અખબારની એક નકલ ઓફર કરી હતી. વેપારીઓને જહાજો વિશે માહિતી આપવા ઉપરાંત સામાજિક સેવા તરીકે મફતમાં મૃત્યુ નોંધ પ્રકાશિત કરવામાં આવી હતી. તેની બાદ સમાચાર અહેવાલો પણ છાપવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button