આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈ સમાચાર: ગુજરાતી પત્રકારત્વનો 203 વર્ષનો અખબારી ઇતિહાસ, વિશ્વસનીયતાની અડીખમ ગાથા!

મુંબઈ: ગુજરાતી ભાષાના પત્રકારત્વના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે જો કોઈ નામ લખાઈ તો તે નામ છે મુંબઈ સમાચાર. ૧ જુલાઇ ૨૦૨૫ના રોજ ગુજરાતી અખબાર મુંબઈ સમાચારે ૨૦૪ વર્ષમાં પ્રવેશ કર્યો છે. બે સૈકાની લાંબી સફર પૂર્ણ કરી મુંબઈ સમાચાર ત્રીજી સદીના ઉદયનું પણ સાક્ષી બની રહ્યું છે. ફરદુનજી મર્ઝબાને ૧લી જુલાઈ, ૧૮૨૨ને સોમવારને દિવસે મુંબઈમાં ‘શ્રી મુમબઈનાં શમાચાર’ નામે સાપ્તાહિક સ્વરૂપે પ્રારંભ કર્યો હતો. વળી ગુજરાતી ભાષાનું સૌપ્રથમ છાપખાનું સ્થાપવાનો યશ ‘મુંબઈ સમાચાર’ના આદ્યસ્થાપક ફરદુનજી મર્ઝબાનને જ જાય છે. ૧૮૧૨માં મુદ્રણાલયની સ્થાપના કરી અને ગુજરાતી ટાઇપો બનાવ્યા અને મુદ્રણનું કામ શરૂ કર્યું. ત્યારબાદ વર્ષ ૧૮૧૪માં બંગાળી પંચાંગને આધારે ગુજરાતી પંચાંગ તૈયાર કરીને છાપ્યું હતું.

પોતાના પ્રારંભિક કાળમાં ‘મુંબઈ સમાચાર’ દર સોમવારે પ્રસિદ્ધ થતું હતું. ત્યારબાદ ૩ જાન્યુઆરી, ૧૮૩૨, મંગળવારના દિવસથી એ દૈનિક બન્યું અને તે સમયે તેની કદ એક જ પાનાનું રાખવામાં આવ્યું હતું. ૧૮૩૩માં અનેક મુશ્કેલીઓને કારણે રવિવાર અને બુધવાર એમ બે દિવસે પ્રગટ થવા માંડ્યું અને ૧૮૫૫થી એ ફરીથી દૈનિક સ્વરૂપે પ્રકાશિત થવા લાગ્યું. ૧૯૨૨થી ‘મુંબઈ સમાચાર’ની સાપ્તાહિક આવૃત્તિ દર રવિવારે નિયમિત પ્રસિદ્ધ થતી હતી.

‘મુંબઈ સમાચાર’ના સ્થાપક ફરદુનજી મર્ઝબાનના પત્રકારત્વ અંગે ચોક્કસ વિચારો હતા. એમનો આગ્રહ રહેતો કે વર્તમાનપત્રની ભાષા સાદી, સરળ અને સામાન્ય માનવી વાંચી શકે તેવી હોવી જોઈએ. એના પ્રથમ અંકના લેખમાં જ લોકમત અને પત્રકારત્વના સ્વાતંત્ર્ય પર એમણે ભાર મૂક્યો હતો. પ્રમાણભૂત સમાચારો આપવાનો આગ્રહ હોવાથી ચકાસણી કર્યા વિના કોઈ પણ સમાચાર છાપતા નહિ. દોઢસો વર્ષના સમયગાળામાં આઠ જેટલા માલિકોએ આ પત્ર ચલાવ્યું. એ પછી મંચેરજી નસરવાનજી કામા, જેહાન દારૂવાલા, પિન્કી દલાલ અને હાલ નીલેશ દવે એના તંત્રીપદે છે. આ દૈનિકનું સંચાલન કામા પરિવાર કરે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૧ જુલાઇ ૨૦૨૪ ના રોજ મુંબઈમાં મુંબઈ સમાચારની ‘200 નોટ આઉટ’ ડોક્યુમેન્ટરીનું વિમોચન કર્યું હતું.

મુંબઈ સમાચારે વિશ્વસનીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

મુંબઈ સમાચારની ‘200 નોટ આઉટ’ ડોક્યુમેન્ટરીના વિમોચન પ્રસંગે અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, કોઈ પણ સંસ્થાને બે સદીઓથી ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે, તે પણ સ્થાનિક અખબાર. તેમણે કહ્યું કે મુંબઈ સમાચારે વિશ્વસનીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવી વિશ્વસનીયતા મેળવવા માટે વ્યક્તિએ ખૂબ જ મહેનત કરવી પડે છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ વિચારધારા સાથે સંકળાયેલા ન હોય તેવા રાજકારણી સારું કામ કરી શકતા નથી જ્યારે કોઈ વિચારધારા સાથે સંકળાયેલું કોઈ અખબાર સારું કામ કરી શકતું નથી. તેમણે કહ્યું કે મુંબઈ સમાચાર કોઈ પણ વિચારધારા સાથે જોડાયા વિના તેના વાચકો સાથે જોડાયેલું રહ્યું અને તેમને સત્ય પહોંચાડતું રહ્યું.

1857ની ક્રાંતિ, સ્વતંત્રતા દિવસના સમાચાર પ્રકાશિત કર્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, જે ગુજરાતીએ જે હેતુ માટે ઝાંસી કી રાનીએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી, તે જ સાબિત કરનાર ગુજરાતીએ 2014માં શપથ લીધા હતા, ‘મુંબઈ સમાચાર’ એકમાત્ર એવું અખબાર છે જેણે આ બંને સમાચાર પ્રકાશિત કર્યા હતા. આગળ તેમણે જણાવ્યું હતું કે, આ એક માત્ર એવું અખબાર છે, જેણે 1857ની ક્રાંતિ, કોંગ્રેસની રચના, લોકમાન્ય બાળગંગાધર તિલકજી દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત, ગોખલે-તિલક અને ગાંધીજી વચ્ચેનો મહત્વનો ઉદય, ભારત છોડો આંદોલન, મીઠાનો સત્યાગ્રહ, સ્વતંત્રતા દિવસ અને આઝાદીનાં 75 વર્ષ જેવા પ્રસંગો પર અહેવાલ આપ્યો છે.

ગુજરાતીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવામાં મોટું યોગદાન

અમિત શાહે જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી અખબાર ચલાવવું અને પત્રકારત્વના ઉદ્દેશોને વળગી રહેવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, જે મુંબઈ સમાચારે હાંસલ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પત્રકારત્વની નીતિમત્તાને અનુસરીને 1962ના ભારત-ચીન યુદ્ધ, કચ્છ ભૂકંપ, આઝાદીની ચળવળ, કટોકટી સામે જન સંઘર્ષ જેવા દેશના ચડાવ-ઉતાર દ્વારા આ સંગઠન કાર્યરત રહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પત્રકારત્વમાં ગુજરાતીને જીવંત રાખવા અને લોકોને તેમની બોલાતી ભાષા તરીકે ગુજરાતીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવામાં મુંબઈ સમાચારે બહુ મોટું યોગદાન આપ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ અખબારનું પરિભ્રમણ અખબારના પ્રદાનનું વાસ્તવિક સૂચક ન પણ હોઈ શકે, તેમણે કહ્યું હતું કે, મુંબઈ સમાચારનું પ્રદાન તેના પરિભ્રમણ કરતાં ઘણું મોટું છે.

પત્રકારત્વના ક્ષેત્રમાં કામા પરિવારનું યોગદાન અવિસ્મરણીય

તેમણે એમ પણ કહ્યું હતું કે, લઘુમતીઓમાં લઘુમતી હોય તો તે પારસી છે. તેમણે કહ્યું કે લઘુમતીઓના અધિકારો માટે લડતા લોકોએ પારસી સમુદાય પાસેથી શીખવું જોઈએ, જેઓ માત્ર તેમની ફરજો માટે જ પોતાનું જીવન જીવે છે અને જેમણે ક્યારેય કોઈ પણ વસ્તુની માંગ કર્યા વિના દરેક ક્ષેત્રમાં ફાળો આપ્યો છે. દેશના કાયદા, ઔદ્યોગિક વિકાસ, ફિનટેક કે આઇટી ક્ષેત્રની વાત હોય, પારસી સમુદાય મોખરે છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત, ગુજરાતીઓ અને ભારત મુંબઈ સમાચાર દ્વારા પત્રકારત્વના ક્ષેત્રમાં કામા પરિવારના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે મુંબઈનું નામ જ્યારે બોમ્બેથી બદલવામાં આવ્યું ત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સૌથી મોટા પુરાવા મુંબઈ સમાચારનું શીર્ષક હતું.

મુંબઈ સમાચાર એશિયાનું સૌથી જૂનું અખબાર

અમિત શાહે જણાવ્યું હતું કે, મુંબઈ સમાચાર એશિયાનું સૌથી જૂનું અખબાર છે અને દુનિયાનું ત્રીજું સૌથી જૂનું અખબાર છે. તેમણે કહ્યું કે, આ દુનિયાનું એકમાત્ર અખબાર છે જેણે પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં 200 વર્ષ ભારતનાં ઇતિહાસમાં અનેક ઉતાર-ચડાવથી ભરેલાં રહ્યાં છે. તેમણે કહ્યું કે આઝાદીના ૭૫ વર્ષ અને હવે આગળનો માર્ગ સ્પષ્ટ, પાકો અને ભવ્ય છે, પરંતુ તે પહેલાંના 125 વર્ષ ઉતાર-ચઢાવથી ભરેલા હતા અને આ સમય દરમિયાન મુંબઈ સમાચારે ક્યારેય નફાની પરવા કરી ન હતી અને પત્રકારત્વની નીતિને આગળ વધારવા માટે હંમેશાં કામ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button