આમચી મુંબઈ

કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટની લાંચ લેવા બદલ ધરપકડ…

સીબીઆઈએ ગોઠવ્યું છટકું: 10.20 લાખ રૂપિયા સ્વીકારતાં સુપરિન્ટેન્ડેન્ટ રંગેહાથ ઝડપાયા

મુંબઈ: મુંબઈના સહાર ઍરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ્સ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટની સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી હતી. ક્ધસાઈન્મેન્ટ ક્લીયર કરવા માટે એજન્ટ પાસેથી 10.20 લાખ રૂપિયા સ્વીકારનારા સુપરિન્ટેન્ડેન્ટને સીબીઆઈએ રંગેહાથ પકડી પાડ્યા હતા.

કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટ કૃષ્ણ કુમાર વિરુદ્ધ ગયા મહિને જ સીબીઆઈમાં ફરિયાદ થઈ હતી. આયાતી માલના ક્ધસાઈન્મેન્ટને કસ્ટમ્સ હાઉસમાંથી ક્લીયર કરવા માટે કુમારે કિલોદીઠ 10 રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

લાંચની રકમ આપવાનો ઇનકાર કરનારા એજન્ટને કુમારે ધમકી આપી હતી અને ઇરાદાપૂર્વક ક્ધસાઈન્મેન્ટ રોકી રાખ્યાં હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. સીબીઆઈ દ્વારા 25 જુલાઈથી પહેલી ઑગસ્ટ દરમિયાન ફરિયાદીએ કરેલા આક્ષેપોની ખાતરી કરવામાં આવી હતી. ગુપ્ત રીતે રેકોર્ડ કરાયેલી વાતચીત અને અન્ય પુરાવાઓને આધારે કુમારે લાંચ માગી હોવાની વાતને સમર્થન મળ્યું હતું, એમ સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું.

આરોપીએ અગાઉ ક્લીયર કરેલા ક્ધસાઈન્મેન્ટના છ લાખ રૂપિયા માગ્યા હતા, જેમાંથી 5.80 લાખ રૂપિયા વરિષ્ઠ અધિકારીઓના અને 20 હજાર રૂપિયા પોતાના હોવાનું કહ્યું હતું. અત્યારે રોકી રાખવામાં આવેલા ક્ધસાઈન્મેન્ટને ક્લીયર કરવા માટે આરોપીએ 10 લાખ રૂપિયા અને ભવિષ્યમાં ક્ધસાઈન્મેન્ટ સરળતાથી ક્લીયર કરવા માટે કિલોદીઠ 10 રૂપિયા ચૂકવવાની માગણી કરી હતી.

ફરિયાદની ખાતરી થતાં સીબીઆઈ દ્વારા શનિવારે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી 10.20 લાખ રૂપિયા સ્વીકારનારા આરોપીને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. વિશેષ અદાલતે તેમને છઠ્ઠી ઑગસ્ટ સુધીની સીબીઆઈ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)

આ પણ વાંચો…મુંબઈ ઍરપોર્ટ પર ગોવા પોલીસની,કસ્ટડીમાંથી આરોપી ભાગી છૂટ્યો

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button