આમચી મુંબઈટોપ ન્યૂઝ

૩૧ મે સુધી નહીં થાય રસ્તાનું કામ પૂર્ણફક્ત ૬૫ ટકા જ કામ થયું છેે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને ૩૧મી મે પહેલા રસ્તાના કામ પૂરા કરી નાખવાનો દાવો સુધરાઈએ કર્યો હતો પણ હકીકતમાં મુંબઈમાં માંડ ૬૫ ટકા જ રસ્તાના કામ થયા છે, જેમાં મુંબઈમાં હાલ ચાલી રહેલા ૯૩૬ રસ્તાના કૉંક્રીટીકરણ પ્રોજેક્ટમાંથી ફક્ત ૫૫૯ રસ્તાના કામ જ ૩૧ મે, ૨૦૨૫ની ડેડલાઈનમાં જ પૂરા થવાના છે. બાકીના રસ્તાના કામ હવે ચોમાસા બાદ થવાના છે.

મુંબઈમાં રસ્તાના સિમેન્ટ-કૉંંક્રીટાઈઝેશનના કામનો અહેવાલ ફેબ્રુઆરીમાં પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ લીધો હતો અને દરમ્યાન તેમણે ૩૧ મે સુધીમાં રસ્તાના તમામ કામ પૂરા થઈ જશે એવો દાવો કર્યો હતો પણ પાલિકાએ નક્કી કરેલી મુદત મુજબ પોતાના લક્ષ્યાંકને પાર કરી શકી નથી. રસ્તાના ખોદકામ બાદ તેના કૉંંક્રીટાઈઝેશનના કામને લગભગ ૧૪ દિવસનો સમય લાગે છે. તેથી મુંબઈમાં ૨૦ મે બાદ કોઈ પણ રસ્તાને ખોદવામાં આવશે નહીં એવું અગાઉ પાલિકા કહી ચૂકી છે. તે મુજબ હવે મંગળવારે ૨૦મી મે બાદ કોઈ પણ નવા રસ્તાને ખોદવામાં આવશે નહીં અને જે રસ્તાને ખોદી મૂકવામાં આવ્યા છે તેના જ કામ કરવામાં આવશે.

પાલિકાએ આપેલા આંકડા મુજબ મુંબઈમાં હાલ ૨,૧૨૧ રસ્તાના કામ હાથમાં લેવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં કુલ ૭૦૦ રસ્તાના (૩૨૦.૬૨ કિલોમીટર) અને બીજા તબક્કામાં ૧,૪૨૧ રસ્તાના (૩૭૮.૯૧ કિમી) કૉંક્રીટીકરણના કામ ફેબ્રુઆરી, ૨૦૨૫થી ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં પહેલા તબક્કાના ૨૮૬ અને બીજા તબક્કાના ૭૦૮ રસ્તાના કામ પ્રગતીએ છે. ૧૮ મે સુધીમાં કુલ રસ્તામાંથી ૪૭૯ રસ્તાના કામ પૂરા થયા છે. પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ૩૧ મે, ૨૦૨૫ સુધીમાં ૫૫૯ રસ્તાના કામ પૂરા થશે એવો અંદાજ છે. તેમાં પહેલા તબક્કાના ૩૦૪ અને બીજા તબક્કાના ૧૭૫ રસ્તાના કામનો સમાવેશ થાય છે.

પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ રસ્તાના બાકી રહેલા કામ હવે ચોમાસા બાદ જ કરવામાં આવશે. તમામ કૉન્ટ્રેક્ટરોને ચોમાસા પહેલા સાઈટ્સને સલામત સ્તરે લાવવાની સૂચના આપવામાં આવી છે.

ઉદ્ધવ ઠાકરેને કારણે રસ્તાની હાલત ?

મુંબઈમાં રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યા છે અને ૩૧ મે, ૨૦૨૫ની મુદત પહેલા તમામ કામ પૂરા કરવાના હતા પણ પાલિકાનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાનો દાવો ભાજપે સોમવારે કર્યો હતો. મુંબઈમાં અત્યાર સુધી કૉક્રીટાઈઝેશનના માંડ ૬૫ ટકા કામ થયા હોવાનો દાવો ભાજપે કર્યો હતો. એટલું જ નહીં પણ રસ્તાના કામની ડેડલાઈન ચૂકી જવા માટે ભાજપે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેને જવાબદાર ગણાવ્યા હતા. પાલિકામાં ૨૫ વર્ષથી વધુ શાસન કરનારા ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેના ધીમા કામને કારણે મુંબઈના રસ્તાઓના કામ ધીમી ગતિએ ચાલ્યા છે. હાલ રસ્તાના કામ પાંચ ગણી ઝડપે ચાલી રહ્યા હોવાનો દાવો પણ ભાજપે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button