આમચી મુંબઈ

Mumbai: મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું, લોકલ ટ્રેન અને વાહનવ્યવહારને માઠી અસર, આજે પણ આગાહી

મુંબઈ: ચોમાસાના વિદાયનો સમય થઇ ગયો છે, એવામાં મેઘરાજાએ ફરી મુંબઈને ધમરોળ્યું છે. ગઈ કાલે સમગ્ર મુંબઈમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતાં. જેના કારણે સતત દોડતા મુંબઈની ગતિ પર બ્રેક લાગી ગઈ હતી. લોકો કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતાં, ત્યારે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે હાજરો લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતાં.

આજે સવારે સ્થિતિ સામાન્ય છે. જોકે હવામાન વિભાગે આજે (26 સપ્ટેમ્બર) માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે ગુરુવારે શાળા-કોલેજો બંધ રહેશે. મહાનગરપાલિકાએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.

મુંબઈમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. ઘાટકોપર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત માર્ગો પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે.

અંધેરીમાં એક મહિલા મેનહોલમાં પડી, જેના કારણે તેનું મોત થયું. લગભગ એક કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

રેલ્વે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઘણી જગ્યાએ લોકલ સેવાઓ પ્રભાવિત થઈ હતી. બેસ્ટની બસો અને ઓટો રિક્ષાઓ ફસાઈ ગઈ હતી. દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. BMCએ અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે, ખરાબ હવામાનને કારણે આજે હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button