યાત્રીઓં કો હોનેવાલી અસુવિધા કે લિએ ખેદ હૈ: Central Railwayમાં ગુરુવારે લોકલ ટ્રેનોના ગરબડ ગોટાળા…
મુંબઈઃ મધ્ય રેલવે (Central Railway) પર પ્રવાસીઓની હાલાકીનો કોઈ અંત આવતો નથી દેખાઈ રહ્યો અને ગુરુવારે પણ સવારે મુંબઈના અનેક વિસ્તારોમાં પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે મધ્ય રેલવે પર ધસારાના સમયે ટ્રેન વ્યવહાર ખોરવાયો (Local Train Service Disrupted) હતો. આને કારણે પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુરુવારે સવારે જ અમુક સીએસએમટી લોકલ પરેલ અને કુર્લા સુધી જ દોડાવવામાં આવી હતી, જેને કારણે પ્રવાસીઓને મુશ્કેલીમાં વધારો થયો હતો.
ગુરુવારે સવારથી જ મુંબઈના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને એની અસર ટ્રેનવ્યવહાર પર પણ જોવા મળી હતી. મધ્ય રેલવે પર દિવા નજીક પડેલાં મુશળધાર વરસાદને કારણે થાણે-કલ્યાણ વચ્ચે ટ્રેનનો વેગ મંદ પડ્યો હતો. આને કારણે સવારે ધસારાના સમયે મધ્ય રેલવેની લોકલ 15થી 20 મિનિટ મોડી પડી હતી. ટ્રેનો મોડી પડતાં અનેક રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો : AC Localમાં ‘મફતિયા’ લોકો ટ્રાવેલ કરે છે? મધ્ય રેલવેએ જાહેર કર્યો Whatsapp number
આ હાલાકી ઓછી હોય એમ ગુરુવારે 9.50 વાગ્યાની સીએસએમટી લોકલ સીએસએમટીને બદલે પરેલ અને કુર્લા સુધી જ દોડાવવામાં આવી હતી. મધ્ય રેલવેના આ રેઢિયાળ કારભારથી પ્રવાસીઓ રોષે ભરાયા હતા અને આખરે આ ત્રાસમાંથી ક્યારે છુટકારો મળશે, એવો સવાલ પણ ઉપસ્થિત કર્યો હતો.
મધ્ય રેલવે પર સીએસએમટી ખાતે નવી ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમ બેસાડવા માટે જૂન મહિનાની શરૂઆતમાં 99 કલાકનો મેગા બ્લોક હાથ ધરવામાં હતો. એ વખતે મધ્ય રેલવેના જનરલ મેનેજર રામ યાદવ દ્વારા પ્રવાસીઓનો પ્રવાસ સુખદ બનશે, એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ હકીકતમાં તો એ જ દિવસથી મધ્ય રેલવે પર લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળી રહ્યા છે. દરરોજ કોઈને કોઈ કારણસર મોડી પડતી ટ્રેનોને કારણે પ્રવાસીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.