હાલ વરસાદથી કોઈ રાહત નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રવિવારે મુશળધાર વરસાદ પડયા બાદ સોમવારે પણ અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઈગરાને કમોસમી વરસાદથી ગુરુવાર સુધી કોઈ રાહત મળવાની નથી.
સોમવારે જાહેર કરેલી તેની પાંચ દિવસની આગાહીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવાર સુધી મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે. રવિવારે અગાઉ હવામાન વિભાગે મંગળવાર સુધી યલો અલર્ટની ચેતવણી આપી હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં સાંતાક્રુઝમાં ૨૩ મિ.મી. અને કોલાબામાં ૩૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
મુંબઈમાં કમોસમી વરસાદને પગલે ગરમીથી મોટી રાહત મળી છે. સોમવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૦.૭ ડિગ્રી ઓછું હતું. જયારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી હતું જે સામાન્ય કરતા ૨.૫ ડિગ્રી ઓછુ હતું.



