મુંબઈમાં ચાર નવા રેલવે પોલીસ સ્ટેશનોને મંજૂરી: વધતી ગુનાખોરીને નિયંત્રણમાં રાખવાનું લક્ષ્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં મુસાફરોની સુરક્ષા વધારવા માટે મુંબઈમાં રેલવે પોલીસ હેઠળ ચાર નવા પોલીસ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપી છે.
ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા સરકારી ઠરાવ (જીઆર) મુજબ લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી), ભાયંદર, અંબરનાથ અને આસનગાંવ રેલવે સ્ટેશનો પર નવા પોલીસ સ્ટેશનો બનાવવામાં આવશે. સરકારી રેલવે પોલીસે (જીઆરપી) અગાઉ આ નવા પોલીસ સ્ટેશનો સ્થાપવા માટે સરકારને દરખાસ્ત મોકલી હતી.
રેલવે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મીરા રોડ-ભાયંદર અને મુંબઈ ઉપનગરી રેલવે નેટવર્ક પર વધતા મુસાફરોના ભારણ અને આ વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓમાં વધારા વચ્ચે નવા પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
રેલવે પોલીસના અધિકારક્ષેત્રમાં નોંધાયેલા મોટાભાગના ગુનાઓ મોબાઇલ અને સામાન અથવા વસ્તુઓની ચોરી અને ખિસ્સાકાતરીના છે. રેલવે સ્ટેશનો પર મહિલાઓની જાતીય સતામણીના કિસ્સાઓ પણ બન્યા છે.
સેન્ટ્રલ રેલવે લાઇન પર, સરકારી રેલવે પોલીસ (જીઆરપી) કલ્યાણ પછી કસારા રેલ્વે સ્ટેશન પર પોતાનું સ્ટેશન ધરાવે છે – તેમની વચ્ચેનું અંતર 67-70 કિમી છે અને આની વચ્ચે 12 સ્ટેશનો આવે છે. તેવી જ રીતે, પુણે લાઇન તરફ, કલ્યાણ પછીનું રેલવે પોલીસ સ્ટેશન કર્જતમાં છે, જે 46 કિમી દૂર છે.
આ પણ વાંચો : અંધેરીમાં પેટ્રોલ રેડી સગીરાને જીવતી સળગાવી
વેસ્ટર્ન રેલવે લાઇન પર, બોરીવલી સ્ટેશન અને વસઈ રેલવે પોલીસ સ્ટેશન વચ્ચેનું અંતર 17 કિમી છે. લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી) અથવા કુર્લા ટર્મિનસ બહારગામની ટ્રેનો માટે એક મુખ્ય પેસેન્જર હબ તરીકે ઉભરી આવ્યું છે જ્યાં મોટી ભીડ જોવા મળે છે. હાલમાં, કુર્લા રેલવે પોલીસ સ્ટેશન લગભગ અડધા કિલોમીટર દૂર આવેલા ટર્મિનસ પર સુરક્ષાનો હવાલો સંભાળે છે.
જ્યારે રાજ્ય સરકારના આધિપત્ય હેઠળ આવતી જીઆરપી પ્લેટફોર્મ પર દૈનિક ગુનાઓના કેસોનું સંચાલન કરે છે, જ્યારે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવતી રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) પણ રેલવે સ્ટેશનો પર સુરક્ષાનું ધ્યાન રાખતી હોય છે.