રેલવેની મોટી યોજના: મુંબઈના મહત્ત્વના સ્ટેશન પર બનાવાશે 20 નવા પ્લેટફોર્મ, કોને થશે ફાયદો?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈના વિવિધ ટર્મિનસ પરથી લાખો લોકો દેશના વિવિધ ભાગોમાં મુસાફરી કરે છે. વેકેશન અથવા તો તહેવાર દરમ્યાન ટિકિટ મળવી પણ મુશ્કેલ હોય છે.
આગામી વર્ષોમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં પ્રવાસીઓ માટે રેલ મુસાફરી વધુ સુવિધાજનક બની શકે છે. વધુમાં, આગામી પાંચ વર્ષમાં MMRના ચાર મુખ્ય ટર્મિનસ પર પ્લેટફોર્મનો વિસ્તાર કરવામાં આવશે, જેના કારણે દેશના વિવિધ ભાગો માટે મુંબઈથી જતી ટ્રેનોની સંખ્યામાં પણ વધારો થશે.
આપણ વાચો: દિવાળીમાં રેલવેની મુસાફરી કરવી હોય અને ટિકિટ કન્ફર્મ ન હોય તો આ ટ્રીક અજમાવી જૂઓ…
આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે આનો અર્થ એ થયો કે સ્ટેશન પર વધુ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. હાલમાં, ચાર ટર્મિનસ પર 20 નવા પ્લેટફોર્મ બનાવવાની યોજના ચાલી રહી છે. આમાં પરેલ ખાતે પાંચ પ્લેટફોર્મ, કલ્યાણ ખાતે છ, લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) ખાતે ચાર અને પનવેલ ખાતે પાંચ પ્લેટફોર્મનો બનાવાશે. આનાથી સ્થાનિક અને લાંબા અંતરની ટ્રેનોની સંખ્યામાં વધારો કરી શકાશે. આ પગલું દરરોજ વધતી વસ્તી અને તેને લીધે થતી ભીડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
2025ના રેલવે બજેટમાં પરેલને ટર્મિનસ તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે પરેલ ટર્મિનસ કુર્લા અને પરેલ વચ્ચેની નવી પાંચમી અને છઠ્ઠી લાઇન સાથે જોડાયેલ હશે, જેનો ઉપયોગ ફક્ત મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો માટે જ કરવામાં આવશે.
મુંબઈમાં આ સેન્ટ્રલ ટર્મિનસ CSMT અને દાદર જેવા હાલના સ્ટેશનો પરનું ભારણ ઘટાડશે. હાલના પરેલ સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં, જ્યારે આ સ્ટેશન પર પ્લેટફોર્મ વધારવામાં આવશે, ત્યારે સ્ટેશનથી ઉપડતી અને આવતી ટ્રેનોની સેવા પણ વધશે.
આપણ વાચો: ટ્રેનની મુસાફરીમાં ફરિયાદ કરવાનું બનશે આસાન: રેલવે લાવશે AI WhatsApp ચેટબોટ, મળશે રિયલ-ટાઈમ મદદ
લોકમાન્ય તિલક ટર્મિનસ પર 4 નવા પ્લેટફોર્મ બનાવવાનું આયોજન છે. આ સ્ટેશન લાંબા અંતરની ટ્રેનો માટેનું મુખ્ય ટર્મિનલ છે, અને નવા પ્લેટફોર્મથી ઇન્ટરસિટી અને એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યામાં વધારો થશે અને ભીડ ઓછી થશે. તેવી જ રીતે, ઝડપથી વિકાસ પામતા પનવેલ સ્ટેશન પર પાંચ નવા પ્લેટફોર્મ બનાવવામાં આવશે.
મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક, નવી મુંબઈ એરપોર્ટ અને મેટ્રો નેટવર્ક સાથે ભવિષ્યમાં પનવેલ એક મુખ્ય પરિવહન ઇન્ટરચેન્જ બનવા માટે તૈયાર છે. આગામી વર્ષોમાં પૂર્ણ થનારા આ પ્લેટફોર્મ મધ્ય રેલવેની સેવાઓમાં નોંધપાત્ર વધારો કરશે. હાલમાં મધ્ય રેલવેની 1,810 ઉપનગરીય સેવાઓ પર દરરોજ આશરે 40 લાખ મુસાફરો મુસાફરી કરે છે.



