મુંબઈ-પુણે એક્સપ્રેસવૅ પર ગેસ ટેન્કર ઊંધું વળતાં શું થયું 24 કલાકમાં, જાણો A 2 Z?

ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં એનડીઆરએફ, એસડીઆરએફ અને બીપીસીએસની ટીમો તહેનાત કરાઇ
પચીસ કિ.મી. સુધી વાહનોની લાંબી લાઇન લાગી હતી
બાળકો, વૃદ્ધો સહિત હજારો મુસાફરો ખોરાક-પાણી વિના ફસાયેલા રહ્યાં
મુંબઈ: મુંબઈ-પુણે યશવંતરાવ ચવાણ એક્સપ્રેસવૅ પર ખંડાલા ઘાટ સેકશનમાં આડોશી ટનલ નજીક પ્રોપીલીન ગેસ વહન કરનારું ટેન્કર ઊંધું વળી જતાં 24 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઇ ગયો હતો. એક્સપ્રેસવૅ પર ટ્રાફિક જૅમને કારણે પચીસ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી અને બાળકો, વૃદ્ધો સહિત હજારો મુસાફરો ખોરાક-પાણી, શૌચાલયની સુવિધા તથા તબીબી સહાય વિના ફસાયેલા રહ્યાં હતાં.
ટેન્કરમાંથી સતત જ્વલનશીલ ગેસ લીકેજ થવાને કારણે એનડીઆરએફ, એસડીઆરએફ અને બીસીપીએસના નિષ્ણાતોની ટીમને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તહેનાત કરવામાં આવી હતી. ઘટનાસ્થળે બીજું ટેન્કર મગાવીને અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી ગેસ તેમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આજે મોડી સાંજે વાહનવ્યવહાર ધીમી ગતિએ શરૂ કરવામાં આવ્યો હતો, એવું જાણવા મળ્યું હતું. ટ્રાફિક જૅમને ધ્યાનમાં રાખી બુધવારે એમએસઆરટીની 139 બસ સેવા રદ કરવામાં આવી હતી.
મુંબઈ-પુણે એક્સપ્રેસવૅ ભારતનો પ્રથમ 6 લેન પહોળો કોંક્રીટ, એક્સેસ-ક્ધટ્રોલ્ડ ટોલ એક્સપ્રેસવૅ છે, જે 94.5 કિલોમીટર લાંબો છે અને તે મુંબઈ, રાયગડ અને નવી મુંબઈને પુણે સાથે જોડે છે. એક્સપ્રેસવૅ ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ હાઇવે પર મંગળવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પ્રોપીલીન ગેસ વહન કરતું ટેન્કર ઊંધું વળી ગયું હતું.
રાયગડ જિલ્લામાં આડોશી ટનલ નજીક આ અકસ્માત થયો હતો. પૂરપાટ વેગે ટેન્કર હંકારી રહેલા ડ્રાઇવરે ઢાળને કારણે કાબૂ ગુમાવતાં ટેન્કર ટનલ નજીક ઊંધું વળી ગયું હતું અને તરત જ તેમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો, જેને કારણે વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

અકસ્માતની જાણ થયા બાદ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને કોઇ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પોલીસે સુરક્ષાની દૃષ્ટિએ મુંબઈ તરફનો ટ્રાફિક કલાકો સુધી સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. અકસ્માતને કારણે મુંબઈ તરફનો ટ્રાફિક લગભગ બે કિ.મી. સુધી પુણે તરફ કેરેજવૅ પર વાળવામાં આવ્યો હતો.
ખાલાપુર ટોલ પ્લાઝા સુધી ટ્રાફિક જૅમ
ટેન્કરમાંથી સતત થઇ રહેલા ગેસ લીકેજને કારણે સામાન્ય અવરજવર પુન:સ્થાપિત થઇ શકી નહોતી, જેને કારણે પુણે તરફ જનારાં વાહનોની પણ લાંબી લાઇન લાગી હતી. મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા તથા મદદની રાહ જોઇ રહ્યા હતા. મધરાત સુધી પરિસ્થિતિ ભયાનક હોવાથી સુરક્ષાનાં કારણોસર હાઇવે બંને બાજુ બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેસ લીકેજ ચાલુ હોવાથી પ્રશાસને પણ જોખમ લીધા વિના ટ્રાફિક બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પુણે લેન પર ખાલાપુર ટોલ પ્લાઝા સુધી ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને પુણે તરફ 10થી 12 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી, એમ પોલીસે કહ્યું હતું.
અકસ્માતના સ્થળે એસટી બસ અટવાયેલી રહી
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસના કન્ડક્ટરે મધરાતે જણાવ્યું હતું કે તેમની બસ અકસ્માતના સ્થળ નજીક લગભગ છ કલાકથી વધુ સમય સુધી અટવાયેલી રહી હતી અને મુસાફરોને ભોજન, પાણી તેમ જ શૌચાલયની સુવિધા મળી નહોતી.
એક્સપ્રેસવૅ પર કલાકો સુધી અટવાયેલા ઘણા વાહનચાલકોએ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કેટલાકે એક્સપ્રેસવૅને ‘પાર્કિંગ લૉટ’ ગણાવ્યો હતો અને અન્ય લોકોને સલાહ આપી હતી કે જરૂર ન પડે ત્યાં સુધી મુસાફરી ટાળો.
મહારાષ્ટ્ર હાઇવે ટ્રાફિક પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત્ ન થાય ત્યાં સુધી મુંબઈ-પુણે એક્સપ્રેસવૅ પર પ્રવાસ ટાળવાની વાહનચાલકોને સલાહ આપી હતી. ટ્રાફિકને કારણે પોલીસે કેટલાંક વાહનોને જૂના મુંબઈ-પુણે હાઇવે તરફ વાળ્યા હતા. 15થી 20 મિનિટના બ્લોક લગાવ્યા બાદ વાહનોને વિરુદ્ધ લેનમાંથી મુંબઈ તરફ જવા દેવામાં આવી રહ્યા હતા.
દરમિયાન ઊંધા વળેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ ચાલુ જ રહેતા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) તેમ જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ના નિષ્ણાતોની ટીમોને ઑપરેશન સંભાળવા માટે બોલાવવામાં આવી હતી. સત્તાવાળાઓએ બાદમાં બીજું ટેન્કર ઘટનાસ્થળે મગાવ્યું હતું અને ઊંધા વળી ગયેલા ટેન્કરમાંથી ગેસ બીજા ટેન્કરમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
મધરાત બાદ સ્થિતિ હળવી થતાં અકસ્માતગ્રસ્ત ટેન્કરને ત્રીજી લેનમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુંબઈ તરફ માત્ર એક જ લેન પર ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો. જોકે ટ્રાફિકની ગતિ ખૂબ ધીમી હોવાથી વાહનોની લાંબી લાઇન લાગી હતી.



