પ્રોપર્ટી ટૅક્સના ડિફોલ્ટરો પાસેથી ૨૨,૦૦૦ કરોડ રૂપિયા વસૂલવા પાલિકાએ કમર કસી છે

મુંબઈ: નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રેકોર્ડબ્રેક પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવામાં સફળ રહેલી મુંબઈ મહાનગરપાલિકા જોકે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ ડિફોલ્ટરો પાસેથી વસૂલ કરી શકી નથી. લગભગ ૧૫ વર્ષથી ડિફોલ્ટરોએ ટૅક્સ ચૂકવ્યો ન હોવાનું ડેટા પરથી જણાઈ આવ્યું છે. પાલિકાએ તેના ઉપાયરૂપે ડિફોલ્ટરોની મિલકતની લિલામીમાં વેચાણ કરીને પૈસા વસૂલ કરવાની છે અને તે માટે ૨૪ વોર્ડમાં પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરવા માટે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કંપનીઓને આમંત્રણ આપ્યા છે.
પાલિકાના અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટ દ્વારા ડિફોલ્ટરોને શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ, સરકારી ઓફિસ અને પાલિકાની ઓફિસનો પણ સમાવેશ થાય છે. લગભગ ૨૦૧૦ની સાલથી ડિફોલ્ટરોએ પ્રોપર્ટી ટૅક્સ ચૂકવ્યો નથી અને બાકી રહેલી રકમનો આંકડો ૨૨,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જેમાં ૧૫ વર્ષની દંડની રકમનો પણ સમાવેશ થાય છે. આ રકમમાં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી(મ્હાડા), મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) અને અન્ય એજન્સીઓ દ્વારા ચૂકવવામાં આવતા ૫૫૦ કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.
પાલિકાના નિયમ મુજબ બિલ મળવાના ૯૦ દિવસની અંદર પ્રોપર્ટી ટૅક્સ ચૂકવવાનો હોય છે. જો આ સમયગાળા દરમ્યાન બિલ ચૂકવવામાં ન આવે તો ૨૧ દિવસની મુદત આપવાની સાથે જ અંતિમ ચેતવણી સાથેની નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ પણ જો નાગરિકો ટૅક્સ ના ચૂકવે તો પાલિકાને પાણીપુરવઠો બંધ કરવો, મિલકત જપ્ત કરવી અને બાકી રકમ વસૂલ કરવા માટે સંપત્તિની હરાજી જેવા આકરાં પગલાં લેવાની સત્તા છે.
આ પણ વાંચો : ૩૯૨.૨૨ કરોડનો પ્રોપટી ટૅક્સનો દંડ પણ વસૂલી માત્ર ૧૨ કરોડ રૂપિયાની જ
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકા હવે તે મુજબ આ બાકી રહેલી રકમ વસૂલ કરવાના પ્રયાસમાં છે અને તે માટે મોટા ડિફોલ્ટરોની મિલકતો જપ્ત કરવા માટે નોટિસ બહાર પાડી છે. તેમ જ ડિફોલ્ટરોની યાદી પણ દર બે મહિને અપડેટ કરીને બહાર પાડવામાં આવી રહી છે. અમુક ડિફોલ્ટરો આ પ્રકરણ કેસમાં લઈ જતા હોય છે તો અમુક કંપનીઓ અટેચમેન્ટની નોટિસ મળ્યા પછી તેમની બાકીની રકમનું સેટલમેન્ટ કરી નાખતા હોય છે.
જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય તો પાલિકા તેમની મિલકતની નિલામી કરવા જેવા આકરા પગલા લઈ શકે છે. સામાન્ય રીતે નિલામી ડિફોલ્ટરોની એવી મિલકતનું જ થાય છે, જેમાંથી પ્રોફિટ થવાની શકયતા હોય છે. તેમ જ તે મિલકતને લઈને કોઈ કાયદાકીય અડચણ ના હોય. તેથી જ વોર્ડ સ્તરે આ મિલકતનું મૂલ્યાકંન કરવા માટે કંપનીની નિમણૂક કરવામાં આવવાની છે.
આ દરમ્યાન જાન્યુઆરી, ૨૦૨૫થી પાલિકાએ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં રહેલા કમર્શિયલ પ્રોપર્ટીધારકોને પ્રોપર્ટી ટૅક્સના બિલ મોકલવાનું ચાલુ કર્યું છે. અત્યાર સુધી ઝૂંપડપટ્ટીમાં ચાલતા ગોડાઉન અને ફેકટરીઓ સહિત મોટા એકમોને લગભગ ૮૦૦ બિલ મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : પાલિકાએ એપ્રિલ ફૂલ બનાવ્યા:ક્લીન માર્શલ્સની જગ્યા લેશે ન્યુસન્સ માર્શલ આવશે
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધી પાલિકા દ્વારા ૩,૯૪૫ પ્રોપર્ટીને અટેચ્ડ કરવામાં આવી આવી છે. પહેલા તબક્કામાં ૬૭ પ્રોપર્ટીની નિલામી કરવામાં આવશે, જેની કિંમત લગભગ ૩૫૫.૧૯ કરોડ રૂપિયા છે. આ અગાઉ પાલિકા દ્વારા ૨૦૧૨માં મિલકતોની નિલામી કરવામાં આવી હતી. મુંબઈમાં ૨.૫ લાખ પ્રોપર્ટી છે, જે ટૅક્સ હેઠળ આવે છે. તો ૧૦ લાખ પ્રોપર્ટી ટૅક્સ ધારકો છે.