મુંબઈ રિયલ એસ્ટેટ માટે સુપર સપ્ટેમ્બરઃ નવરાત્રીમાં રેકોર્ડબ્રેક, શ્રાદ્ધમાં પણ જંગી ખરીદી

મુંબઈઃ નવરાત્રીના દસ દિવસ દરમિયાન પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં લગભગ 20 ટકાનો ઉછાળો જોવા મળ્યાનું નાઈટ ફ્રેન્ક (Knight Frank) ના અહેવાલમાં જાણવા મળ્યું છે. 22 ઑક્ટોબરથી 1લી ઑક્ટોબર સુધીમાં શહેરમાં 6,238 પ્રોપર્ટી રજિસ્ટ્રેશન થયાનું જાણવા મળ્યું છે. આ આંકડો ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા રજિસ્ટ્રેશન કરતા 20 ટકા વધારે હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે નવરાત્રી દરિમયાન 5,199 રજિસ્ટ્રેશન નોંધાયા હતા, તેમ અહેવાલ જણાવે છે.
સપ્ટેમ્બર, 2025 વાત કરીએ તો દસકા બાદ આટલો સારો માહોલ જોવા મળ્યો છે. આ મહિનામાં 12,270 જેટલું રજિસ્ટ્રેશન થયું છે, જે મુંબઈ શહેરની વાત કરીએ તો દસકાનું શ્રેષ્ઠ કહી શકાય.
રાજ્ય સરકારની તિજોરી પણ ભરાઈ
આ નવા રજિસ્ટ્રેશનમાં નવા યુનિટ્સના સેલ અને રિસેલ પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે આ વધારો રાજ્યની મહેસૂલી આવકમાં પણ નોંધાયો છે. નવરાત્રી દરમિયાન રાજ્ય સરકારની તિજોરીમાં રૂ. 587 કરોડ ઠલવાયા છે. રોજની લગભગ 578 પ્રોપર્ટી મુંબઈ શહેરમાં રજિસ્ટર થાય છે, પરંતુ નવરાત્રી દરમિયાન આ આંકડો દિવસદીઠ 624 રજિસ્ટ્રેશન સુધી પહોંચ્યો હતો. દિવસદીઠ સ્ટેમ્પ ડ્યૂટીની જે રેવન્યુ સરકારી તિજોરીમાં ઠલવાતી તે દસ દિવસમાં વધીને રોજની રૂ. 59 કરોડ થઈ હતી, જે 2024માં રૂ. 56 કરોડ હતી. (Mumbai property registrations rise)
આ કારણે વધારે ઘર વેચાયા
રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોનું માનીએ તો છેલ્લા ઘણા વર્ષો બાદ આટલું સારું વેચાણ થયું છે અને ઘર ખરીદનારાઓ આગળ આવ્યા છે. આના કારણોમાં એક તો આરબીઆઈએ રેપોરેટ સ્થિર રાખતા હોમલૉન પર વ્યાજ પણ સ્થિર રહ્યું છે. આ સાથે કેન્દ્ર સરકારે 22 સપ્ટેમ્બરથી અમલમાં લાવેલી જીએસટી 2.0ની નીતિનો પણ લોકો ફાયદો લઈ રહ્યા છે. નવરાત્રીમાં થયેલી આ ખરીદીએ માર્કે્ટમાં પોઝિટિવિટી લાવી છે અને આવનારા તહેવારોમાં પણ આ પ્રકારનું વલણ જોવા મળશે, તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
શ્રાદ્ધમાં પણ લોકોએ ખરીદ્યા છે ઘર
હિન્દુશાસ્ત્રો પ્રમાણે શ્રાદ્ધપક્ષ દરમિયાન શુભકાર્યો થતા નથી. કોઈપણ પરિવાર માટે ઘર લેવું અને તે પણ મુંબઈમાં એ એક ખાસ અવસર જેવું હોય છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે ચાલુ મહિનામાં શ્રાદ્ધપક્ષ દરમિયાન પણ લોકોએ સારા પ્રમાણમાં પ્રોપર્ટી રજિસ્ટર કરાવી છે. (Shraddh period registrations)
મુંબઈમાં શ્રાદ્ધ દરમિયાન 3,368 પ્રોપર્ટી રજિસ્ટ્રેશન થયું છે. 2024 કરતા પાંચ ટકા વધારે રજિસ્ટ્રેશન થયું છે. જેના લીધે રેવન્યુ કલેક્શનમાં નોંધપાત્ર એવા 21 ટકાનો વધારો નોંધાયો હોવાનું અહેવાલ જણાવે છે. 2024માં આ આંકડો રૂ. 219 કરોડ હતો જે વધીને 2025માં 265 કરોડ થયો છે. રોજની 24 કરોડને બદલે મહેસૂલ વિભાગને 29 કરોડની આવક થઈ છે.
આપણ વાંચો: થાણે-બોરીવલી ટ્વીન ટનલ: મંજૂર થયું ₹૨૧૦ કરોડનું ભંડોળ, હવે માત્ર ૧૨ મિનિટમાં અંતર કપાશે