બોલો, મુંબઈમાં Power Cutનો ઉકેલ બેસ્ટ પ્રશાસન ‘આ’ રીતે લાવશે

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં વીજ પુરવઠો વહન કરતા બ્રિટિશ શાસન વખતે બેસાડવામાં આવેલા 80 વર્ષ જૂના વીજળીના કેબલ હવે બૃહદ મુંબઇ ઈલેક્ટ્રીસીટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) અન્ડરટેકિંગને તકલીફ આપી રહ્યા છે.
મુંબઈ શહેર ગરમીમાં ધગધગી રહ્યું છે ત્યારે વીજળીના ધાંધિયા થવાથી જનતાએ વારંવાર પાવર કટની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ અઠવાડિયામાં બીજી વખત બુધવારે ભુલેશ્વર સહિત દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી. જમીનની સપાટીથી 2 – 4 મીટર નીચે રહેલા અનેક વર્ષ જૂના ઈલેક્ટ્રિક કેબલને કારણે આ સમસ્યા નિર્માણ થઈ છે.
બેસ્ટના અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર બુધવારે સવારે અગિયાર વાગ્યાની આસપાસ ભુલેશ્વર તેમજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વિસ્તારમાં થોડી મિનિટો માટે પાવર કટની સમસ્યા નિર્માણ થઈ હતી અને કેબલ ફોલ્ટની સમસ્યા દૂર કરવા કર્મચારીઓને તાત્કાલિક કામે લગાડવામાં આવ્યા હતા.
આ સમસ્યાનો કાયમ માટે નિવેડો લાવવા ‘બેસ્ટ’એ પાંચ વર્ષની યોજના ઘડી છે. આ સમય દરમિયાન છ હજાર કરોડ રૂપિયાના રોકાણથી 80 વર્ષ જૂના પાવર સપ્લાય નેટવર્કને આધુનિક બનાવવામાં આવશે.